ત્રીજી વાર હારવાને કારણે દેશની છબિ બગાડવાનો કોંગ્રેસનો પ્રયાસઃ શિવરાજ સિંહ ચૌહાણનો મોટો આરોપ

નવી દિલ્હી : ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે(Shivraj Singh Chauhan) આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સતત ત્રીજી વખત હાર્યા છે તેના લીધે દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શિવરાજે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે અને વિપક્ષના નેતાનું પદ એક જવાબદાર પદ છે. હું રાહુલ ગાંધીને યાદ અપાવવા માંગુ છું કે જ્યારે અટલ બિહારી વાજપેયી LOP હતા ત્યારે તેમણે ક્યારેય વિદેશની ધરતી પર દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો ન હતો.
શિવરાજ ચૌહાણે કહ્યું, સતત ત્રીજી વખત હારવાને કારણે તેમના મનમાં ભાજપ વિરોધી, આરએસએસ વિરોધી અને મોદી વિરોધી ભાવનાઓ ઉભી થઈ છે. તે સતત દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશની છબી ખરડવી એ દેશદ્રોહ સમાન છે. હું પૂછવા માંગુ છું કોણે બંધારણ પર હુમલો કર્યો હતો અને કોણે ઈમરજન્સી લાદી હતી
રાહુલ ગાંધીએ શું કહ્યું ?
રાહુલ ગાંધીએ કહ્યું, ચૂંટણી પહેલા અમે એ વિચાર પર ભાર મૂકતા રહ્યા કે સંસ્થાઓ કબજે કરવામાં આવી છે. આરએસએસે શિક્ષણ વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે. મીડિયા અને તપાસ એજન્સીઓ નિયંત્રણમાં છે. અમે આ વાત કહેતા હતા તો લોકો સમજતા ન હતા. પછી અમે બંધારણને આગળ રાખવાનું શરૂ કર્યું અને પછી અમે જે પણ કહ્યું હતું તેનો અચાનક પ્રતિભાવ મળ્યો.