અમેરિકાએ એક વર્ષમાં ૧.૪૦ લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા
વૉશિંગ્ટન: યુએસએએ સ્થાનિક વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવી જાન્યુઆરી ૨૦૨૪માં ૨૦,૦૦૦ એચવનબી અરજદારોને વીઝા મંજૂરીની મહોર મારવાનો નિર્ણય લીધો હોવાથી ભારતને થોડો ફાયદો થશે. આ વર્ષે, યુએસએ ભારતની વિઝાની માગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રયાસ કર્યો હોવાનું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતુ. ભારતમાં યુએસ એમ્બેસી અને તેના વાણિજ્ય દૂતાવાસોએ ઓક્ટોબર ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે ૧,૪૦,૦૦૦થી વધુ વિદ્યાર્થી વિઝા જારી કરીને એક ઐતિહાસિક સીમાચિહન હાંસલ કરી એક નવો વિક્રમ બનાવ્યો હોવાનું પણ આ સૂત્રોએ જણાવ્યું હતુ.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક નિવેદન અનુસાર, ભારતમાં દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિભાગે અહેવાલ આપ્યો તેમાં જણાવ્યું હતુ કે ઑક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેટ ડિપાર્ટમેન્ટે વૈશ્ર્વિક સ્તરે અંદાજે એક કરોડથી વધુના નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કર્યા હતા. વધુમાં ભારતમાં યુએસ એમ્બેસીએ વ્યાપાર અને પર્યટન માટે લગભગ ૮૦ લાખ વિઝિટર વિઝા આપ્યા હોવાનું અને તે ૨૦૧૫ પછીનો વાર્ષિક નવો રેકોર્ડ હોવાનું પણ આ સાધનોએ જણાવ્યું હતુ.
વિદ્યાર્થી વિઝાના ક્ષેત્રમાં, યુ.એસ. એમ્બેસી અને ભારતમાં વાણિજ્ય દૂતાવાસોએ ઉલ્લેખિત સમયગાળા દરમિયાન સામૂહિક રીતે ૬,૦૦,૦૦૦થી વધુ વિદ્યાર્થી વિઝા જારી કર્યા હતા, જે ૨૦૧૭ના નાણાકીય વર્ષ પછીનો સૌથી મોટો આંકડો છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ સિદ્ધિઓનો શ્રેય દૂતાવાસ દ્વારા લેવામાં આવેલા નવીન પગલાંને આપ્યો હતો. વિસ્તૃત ઇન્ટરવ્યુમાંથી માફીના સત્તાવાળાઓના નિર્ણયે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પ્રવાસીઓને વારંવાર દૂતાવાસ અથવા કોન્સ્યુલેટની રૂબરૂ મુલાકાત લીધા વિના તેમના વિઝા રિન્યૂ કરવાની મંજૂરી આપવામાં આવતી હોવાનું પણ વધુમાં જણાવાયું હતું. કામગીરીને સુવ્યવસ્થિત કરવાની તકોનું મૂલ્યાંકન કર નોંધનીય છે કે પાછલા વર્ષમાં, ભારતમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે અહેવાલ આપ્યો હતો કે ૧.૨ મિલિયનથી વધુ ભારતીયોએ યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લીધી હતી, જે વૈશ્ર્વિક સ્તરે બે દેશો વચ્ચેના સૌથી મજબૂત પ્રવાસી સંબંધોનો નિર્દેશ કરે છે.
અમેરિકા માટેના વિઝામાં ભારત વિશ્ર્વભરના તમામ અરજદારોમાં ૧૦ ટકા હિસ્સો ધરાવતું હોવાનું અને તમામ વિદ્યાર્થી વિઝા અરજદારોમાં ૨૦ ટકા ભારતીયો અને તમામ એચએન્ડએલ-શ્રેણી જે રોજગાર માટે હોય છે તેમાં પણ ૬૫ ટકાનું પ્રમાણ ભારતીયોનું હોવાનું જણાવી યુનાઇટેડ સ્ટેટ્સે આ વૃદ્ધિને આવકારીને નિવેદનમાં પુષ્ટિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીયોમાં યુએસ વિઝિટર વિઝાની અભૂતપૂર્વ માગને અનુલક્ષીને ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટીએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને તેનું સંચાલન કરવા માટે આ મહિનાની શરૂઆતમાં જ દિલ્હી સ્થિત
યુએસ મિશનની મુલાકાત લીધી
હતી. (પીટીઆઇ)
વર્ક વિઝા પર રહેતા ભારતીયોને અમેરિકા છોડ્યા વગર જ વિઝા રિન્યુઅલની સવલત
વૉશિંગ્ટન: યુએસએએ સ્થાનિક વિઝા પ્રક્રિયા ઝડપી બનાવી ૨૦,૦૦૦ એચવનબી વિઝા અરજદારોને જાન્યુઆરી ૨૦૨૪માં રિન્યુઅલનો સ્ટેમ્પ મળશે. યુએસના આ નિર્ણયથી ભારતને થોડો ફાયદો થશે એવું માનવામાં આવે છે. આ મંજૂરી મેળવવા વિઝા ધારકોને ફક્ત તેમના વિઝા સ્ટેટ ડિપાર્ટમેન્ટને મેઇલ કરવા પડશે, અને યુએસએ બહાર મુસાફરી કરવાની જરૂર રહેશે નહીં એવું સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતુ. યુ.એસ.માં મર્યાદિત સંખ્યામાં પ્રાયોગિક ધોરણે આ રીતે એચવનબી વિઝા યુએસમાં જ વર્ષોથી રહેતા ભારતીયોને રિન્યુ કરી અપાશે. વ્યાવસાયિક કામદારોને જાન્યુઆરીમાં તેમના વિઝા રિન્યૂ કરવાની મંજૂરી આપવામાં આવશે, એમ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું. એચવનબી ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ પાયલોટ પ્રોજેક્ટનું રોલઆઉટ શરૂઆતમાં માત્ર ૨૦,૦૦૦ સહભાગીઓ સુધી મર્યાદિત રખાશે. આ અરજદારોએ માત્ર સ્ટેટ ડિપાર્ટમેન્ટને તેમના વિઝા મેઇલ કરવા પડશે, અને તેમને યુએસની બહાર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ યોજનાનો મોટા પાયે અમલ કરીએ તે પહેલાં તે યોગ્ય રીતે કાર્ય કરે છે કે તેની ખાતરી કરી લેવી જરૂરી હોવાનું ડેપ્યુટી આસિસ્ટન્ટ કોન્સ્યુલર બાબતોના સચિવ જુલી સ્ટફ્ટે પત્રકારોને જણાવ્યું હતું. અહીં આવા વિઝા પર રહેતા અને અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ છોડવું પડ્યું હોત તેમના માટે આ એક મોટો ફેરફાર છે. જોકે પ્રથમ ૨૦,૦૦૦ ઉમેદવારો માટેની પસંદગીની પ્રક્રિયાની વિગતો હજુ જાહેર કરાઇ નથી. વિભાગ આગામી મહિને વધુ વિગતો પ્રકાશિત કરે તેવી અપેક્ષા છે.
સ્ટેટસાઇડ વિઝા રિન્યૂઅલ પાયલોટ પ્રોગ્રામ એ બહુવિધ પગલાંઓમાંનો એક છે જે સ્ટેટ ડિપાર્ટમેન્ટ યુ.એસ.ની મુસાફરી માટે રાહ જોવાના સમયને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ઉમેરવા અથવા ચાલુ રાખવાનું વિચારી રહ્યું છે એમ અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વ્હાઇટ હાઉસે આ વર્ષે જૂનમાં નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન આ યોજનાની જાહેરાત કરી હતી. આ પગલાંથી મોટી સંખ્યામાં ભારતીય ટૅક્નોલૉજી પ્રોફેશનલ્સને ફાયદો થવાની અપેક્ષા છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ થોડા સમય માટે પ્રાયોગિક ધોરણે આ પ્રોગ્રામ શરૂ કરવા માટે કામ કરી રહ્યું હતું. જોકે, મોદીની મુલાકાત દરમિયાન જ તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ જૂથમાં ૨૦,૦૦૦ એચનવબી વિઝા મંજૂર કરીશું અને તેમાં મોટા ભાગના યુ.એસ.માં રહેતા ભારતીય નાગરિકો હશે. યોજનાની સફળતા જોઇને ભવિષ્યમાં સંખ્યા વધારાશે એમ સ્ટફટે વધુમાં જણાવ્યું હતુ. યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય કુશળ કામદારોનું સૌથી મોટું જૂથ છે અને ભારતને આ પ્રોગ્રામથી ઘણો ફાયદો થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવા લોકોને વિઝા એપોઇન્ટમેન્ટ મેળવવા માટે ભારત અથવા કોઈપણ જગ્યાએ પાછા જવાના ખોટા ધક્કામાંથી મુક્તિ મળશે અને તેમના વિઝા અમેરિકામાં રહીને જ રિન્યુ કરવામાં આવશે જેથી ભારતમાં અમારા મિશન નવા અરજદારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. જોકે આ વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ માત્ર વર્ક વિઝા માટે જ છે. ૨૦ વર્ષમાં ક્યારેય અમલ નકરાયો હોય એવા પ્રવર્તમાન નિયમના આધારે આવી મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો હતો. આ વર્ક વિઝા એવા લોકો માટે બનાવાયેલ છે જેઓ લાંબા સમયથી યુએસમાં રહેતા હોય અને વિદેશમાં પાછા ગયા વિના તેમના વિઝા રિન્યૂ કરવા માગતા હોય એમ તેમણે વધુમાં જણાવ્યું હતુ. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ૨૦,૦૦૦ કેસોના પાઇલોટ સાથે નાના પાયે શરૂઆત કરી ૨૦૨૪ના બાકીના સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા કામદારોની વધુ શ્રેણીઓ માટે આ યોજના ખોલવા માટે યુએસ સરકાર તત્પર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એનઆઈએફના પ્રમુખ અને સીઈઓ જેની મુરેએ જણાવ્યું હતું કે વિઝા પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ બુદ્ધિગમ્ય પગલાં લેવા બદલ નેશનલ ઈમિગ્રેશન ફોરમ સ્ટેટ ડિપાર્ટમેન્ટની પ્રશંસા કરે છે. આવા પગલાં અમેરિકન વ્યવસાયો તેમ જ વિઝા ધારકો અને અરજદારોના ફાયદામાં રહેશે, એમ પણ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઇ)