અંબાજી પ્રસાદ કેસના આરોપી જતીન શાહનો આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: યાત્રધામ અંબાજીમાં ભાદરવી પૂનમના પર્વ ટાણે અંબાજીના મોહનથાળ બનાવવા માટે નકલી ઘી પૂરું પાડવાના કેસમાં સંડોવાયેલા અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ગુરુવારે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે.
પ્રસાદ રૂપે અપાતા મોહનથાળ બનાવવા માટે નકલી ઘીના ઉપયોગ થયો હોવાનું કૌભાંડ ખૂલતા આ કેસમાં અમદાવાદના જતીન શાહની માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતુ. મોહિની કેટરરે પ્રસાદની માગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માયુર્ં હતું. ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી.
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું. સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું. મોહનથાળ માટે વપરાતા ઘીના તાર અમદાવાદના માધુપુરામાં સુધી પહોંચ્યા હતા. અંબાજી પોલીસની ટીમ માધુપુરાના ગોડાઉનમાં સીલ માર્યું હતુ. યાત્રાધામ અંબાજીમાં બનતો મોહનથાળના સેમ્પલ ફેલ થયા હતા. ઘીનાં સેમ્પલ ફેલ થતાં સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો.