અમરનાથ યાત્રાને એક અઠવાડિયા વહેલા સ્થગિત કરાઈ; જાણો કારણ

નવી દિલ્હી: અમરનાથ યાત્રાને નિધારિત સમય પહેલા જ સ્થગિત કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રએ ખરાબ હવામાન અને વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે, વાર્ષિક અમરનાથ યાત્રાને તેના નિર્ધારિત સમાપ્તિના એક સપ્તાહ પહેલાં સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.
શા માટે યાત્રાને સ્થગિત કરવામાં આવી?
મળતી વિગતો અનુસાર છેલ્લા દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં પડેલા ભારે વરસાદનાં કારણે પાટાઓ અસરગ્રસ્ત થયા હતાં, જેના સમારકામને લઈને અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. 3 જુલાઈના રોજ શરુ થયેલી અમરનાથ યાત્રા રક્ષાબંધનના અવસર પર 9 ઓગષ્ટના રોજ પૂર્ણ થવાની હતી. જો કે અધિકારીઓએ સમારકામની કામગીરીને ધ્યને લઈને તેની નિર્ધારિત તિથી પહેલા જ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધૂરીએ જણાવ્યું હતું કે, ટ્રેક પર કર્મચારીઓ અને મશીનોની સતત તૈનાતીને કારણે અમે યાત્રા ફરીથી શરૂ કરી શકીશું નહીં. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 4.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા હતા, જ્યારે ગયા વર્ષે આ આંકડો 5.10 લાખથી વધુ હતો.
યાત્રા ક્ષેત્રના માર્ગો પર પડ્યો હતો વરસાદ
મળતી વિગતો અનુસર, યાત્રા ક્ષેત્રના પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પર તાજેતરમાં ભારે વરસાદ થયો હતો. આ ભારે વરસાદ બાદ બાલટાલ માર્ગ પર તાત્કાલિક સમારકામની જરૂરિયાત છે. જોકે, હવે યાત્રામાં ઓછો સમય બાકી હોવાથી સમારકામનું કામ શક્ય નથી. આ જોખમને ધ્યાનમાં રાખીને 3 ઓગસ્ટથી અમરનાથ યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.