Amaranth Yatra ને લઇને મોટા સમાચાર, શિવલિંગ પીગળતા યાત્રા સ્થગિત કરાઈ
શ્રીનગરઃ અમરનાથ યાત્રા(Amarnath Yatra) પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અમરનાથ ગુફામાં વધતી ગરમીને કારણે શિવલિંગ(Shivling)અકાળે પીગળી ગયું છે. આવી સ્થિતિમાં ભક્તો બાબા બર્ફાનીના દર્શન નહીં કરી શકે. ખરાબ હવામાનને(Weather)કારણે આજે અમરનાથ યાત્રા બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી સ્થગિત કરવામાં આવી છે. હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
આ વર્ષે કેટલા ભક્તોએ મુલાકાત લીધી
આ વર્ષે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આ યાત્રા 19મી ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રાના પ્રથમ સપ્તાહમાં રેકોર્ડ 1.51 લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી, પરંતુ પવિત્ર ગુફામાં બરફનું શિવલિંગ સંપૂર્ણપણે પીગળી ગયું હોવાથી નવા અમરનાથ યાત્રાળુઓ નિરાશ થયા હતા.
શિવલિંગ પીગળતાં અધિકારીઓએ શું કહ્યું?
અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ખૂબ ઊંચા તાપમાનને કારણે પીગળવાની પ્રક્રિયા ઝડપી બની છે. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે યાત્રાના પ્રથમ 10 દિવસમાં બરફનું શિવલિંગ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું છે. આ વર્ષે આ યાત્રા 52 દિવસની છે અને 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટે સમાપ્ત થશે.