અમરનાથ યાત્રાના કાફલાની ત્રણ બસો રામબન પાસે એકબીજા સાથે અથડાઇ, 36 યાત્રાળુને સામાન્ય ઇજા

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ રામબન નજીક અમરનાથ યાત્રાના કાફલાની ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં 36 યાત્રાળુઓને થોડી ઈજા થઈ હતી. આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહેલગામ બેઝ કેમ્પ જઈ રહેલા કાફલાનો ભાગ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ચંદ્રકુટ નજીક થયો હતો. તેમણે કહ્યું હતું કે આ અકસ્માત બસના બ્રેક ફેલ થવાને કારણે થયો હતો. ત્યારબાદ બસ બે અન્ય વાહનો સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા નથી થઇ
આ બસો વચ્ચેની ટક્કર બાદ ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ જે બસો ક્ષતિગ્રસ્ત થઈ હતી તેમને બદલવામાં આવી હતી. કાફલો નવી બસો સાથે આગળ વધ્યો હતો. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.
યાત્રાળુઓને બીજી બસમાં આગળ મોકલાયા
આ અંગે અકસ્માત અંગે રામબનના ડેપ્યુટી કમિશનરે X પર લખ્યું, “પહલગામ કાફલાના છેલ્લા વાહને કાબુ ગુમાવ્યો અને ચંદ્રકોટ લંગર સ્થળ પર ફસાયેલા વાહનોને ટક્કર મારી. જેના કારણે 4 વાહનોને નુકસાન થયું અને 36 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ છે. સ્થળ પર પહેલાથી જ હાજર જિલ્લા વહીવટીતંત્રે ઘાયલોને તાત્કાલિક DH રામબનમાં ખસેડ્યા. મુસાફરોને પાછળથી તેમની આગળની મુસાફરી માટે અન્ય વાહનોમાં ખસેડવામાં આવ્યા હતા.
શ્રદ્ધાળુઓની ચોથી બેચ અમરનાથ જવા રવાના
અમરનાથ યાત્રામાં 6979 શ્રદ્ધાળુઓની ચોથી બેચ અમરનાથ ગુફા માટે રવાના થઇ છે. અમરનાથ યાત્રા સત્તાવાર રીતે 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી અને9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.
આ પણ વાંચો…અમરનાથ યાત્રા માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત, યાત્રાળુઓને એકલા યાત્રા કરવાની મંજૂરી નહિ