કાશ્મીરમાં અમરનાથ યાત્રા(Amarnath Yatra 2024)ની શરૂઆત થઇ ચુકી છે, ગઈ કાલે શનિવારે યાત્રાના પહેલા દિવસે 13,000 થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથની પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી, કડક સુરક્ષા વચ્ચે આ યાત્રા કરવામાં આવી રહી છે.
તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડી 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત ગુફા મંદિરની યાત્રા માટે બાલતાલ અને નુનવાનના ટ્વીન બેઝ કેમ્પથી નીકળી હતી. અમરનાથ યાત્રાની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે ભગવાન શિવના ‘દર્શન’ તેમના અનુયાયીઓમાં અપાર ઊર્જાનો સંચાર કરે છે.
વડા પ્રધાન મોદીએ X પરની પોસ્ટમાં કહ્યું “પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને મારી હાર્દિક શુભકામનાઓ. બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી આ યાત્રા ભગવાન શિવના ભક્તોમાં અપાર ઉર્જાનો સંચાર કરે છે. તેમના આશીર્વાદથી તમામ ભક્તો સમૃદ્ધ થાય. જય બાબા બર્ફાની.”
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર ગુફા મંદિરની સલામત, સરળ અને સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
અમિત શાહે હિ X પર લખ્યું કે, “શ્રી અમરનાથ યાત્રા એ ભારતીય સંસ્કૃતિની પરંપરાગતતા અને સાતત્યનું શાશ્વત પ્રતીક છે. આ દિવ્ય યાત્રા આજથી શરૂ થઈ રહી છે. હું તમામ શ્રદ્ધાળુઓને દર્શન માટે શુભેચ્છા પાઠવું છું.”
આ યાત્રા ગઈ કાલે વહેલી સવારે ટ્વીન ટ્રેક્સથી શરૂ થઈ હતી, અનંતનાગમાં પરંપરાગત 48-kmના નુનવાન-પહલગામ રૂટ અને ગાંદરબલમાં 14-કિમી ટૂંકા પરંતુ સ્ટીપર બાલટાલ રૂટ પર આ યાત્રા થઇ રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે “પ્રથમ દિવસે 13,736 જેટલા શ્રદ્ધાળુઓએ કુદરતી રીતે બનેલા બરફના લિંગના દર્શન કરવા માટે ગુફાની મુલાકાત લીધી હતી.”
3,300 મહિલાઓ, 52 બાળકો, 102 સાધુઓ અને 682 સુરક્ષા કર્મચારીઓએ ગુફા મંદિરની મુલાકાત લીધી હતી.
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે જમ્મુના ભગવતી નગરમાં યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 4,603 તીર્થયાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી આપી હતી. યાત્રાના સુચારુ આયોજન માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.