શ્રીનગર: આજથી જમ્મુ અને કાશ્મીરની લાદાર ખીણમાં આવલી બાબા અમરનાથ ગુફાની યાત્રા (Amarnath yatra) શરુ થઇ રહી છે, ગઈ કાલે યાત્રાળુઓનો પહેલો જથ્થો “બમ બમ ભોલે”, “જય બાબા બર્ફાની” અને “હર હર મહાદેવ” ના નારાઓ સાથે જમ્મુના બેઝ કેમ્પથી રવાના થયો હતો. જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે સવારે યાત્રાળુઓની પહેલી બેચને લઇ જતા વાહનને લીલી ઝંડી બતાવી હતી. વિસ્તારમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
યાત્રાળુઓની પ્રથમ ટુકડી સમુદ્રથી 12,756 ફૂટની ઉંચાઈ પર સ્થિત પવિત્ર બાબા અમરનાથના દર્શન માટે માટે બેઝ કેમ્પથી નીકળી ગઈ છે. 4,603 શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી શુક્રવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ પહોંચી હતી.
52 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB)ની વેબસાઈટ અને પોર્ટલ પર 15 એપ્રિલથી આ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ યાત્રાળુઓ માટે સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા ત્રિ-સ્તરીય સુરક્ષા, એરિયા ડોમિનન્સ, ચોકીઓ સહિતની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ વર્ષની યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. ગુફા મંદિરના બે માર્ગો પર 125 જેટલા કમ્યુનીટી કિચન (લંગાર) ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની સાથે 6,000 થી વધુ સ્વયંસેવકો જોડાયેલા છે.
| Also Read: Amarnath Yatra 2024: જમ્મુથી રવાના થયું પહેલું જૂથ, આવતીકાલે બાબા બર્ફાનીના દર્શન કરશે
અમરનાથ યાત્રા વર્ષે કડક સુરક્ષા અને તકેદારી વચ્ચે બે ટ્રેક પર થાય છે – અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48-કિમી લાંબા નુનવાન-પહલગામ રૂટ અને ગાંદરબલ જિલ્લામાં 14-કિમી લાંબા ટૂંકા પરંતુ ઢાળવાળા બાલટાલ રૂટ દ્વારા.
દર વર્ષે લાખો યાત્રાળુઓ જુલાઈ-ઓગસ્ટ દરમિયાન અમરનાથ યાત્રા માટે આવે છે, વર્ષમાં આ એકમાત્ર એવો સમય છે જ્યારે અમરનાથ ગુફા સુધી પહોંચવું પ્રમાણમાં સુલભ હોય છે.
જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 141 કિમી દૂર દરિયાની સપાટીથી 12,756 ફૂટની ઉંચાઈ પર સ્થિત, અમરનાથની ગુફા લાદાર ખીણમાં આવેલી છે. આ ગુફા વર્ષના મોટા ભાગના સમય ગ્લેશિયર્સથી ઢંકાયેલી રહે છે.