હૈદરાબાદઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 હાલ સિનેમાઘરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે 1000 કરોડનો વકરો કરી લીધો છે. ફિલ્મની રિલિઝ પહેલા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મમાં સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભાગદોડમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. જે બાદ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક લોકો સામે કેસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આજે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને 14 દિવસની કસ્ટડીમાં ધકેલ્યો હતો. હાઇકોર્ટે આ મામલે તેને જામીન આપ્યા હતા. કોર્ટમાં અલ્લુ અર્જુનના વકીલે રઈશના પ્રમોશન દરમિયાન થયેલી ભાગદોડ બાદ ગુજરાત હાઈ કોર્ટમાં થયેલા કેસનો ઉલ્લેખ કર્યો હતો. અલ્લુ અર્જુનની ધરપકડ બાદ મૃતક મહિલાના પતિએ પણ કેસ પરત ખેંચવાની વાત કરી હતી.
મૃતક મહિલાના પતિએ શું કહ્યું
અલ્લુ અર્જુનની PR ટીમ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સંધ્યા થિયેટરમાં ભાગદોડમાં મૃત્યુ પામેલી મહિલાના પતિએ કહ્યું છે કે તેમને ખબર નહોતી કે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ કેસ પાછો ખેંચવા તૈયાર છે. મૃતક મહિલાના પતિના કહેવા મુજબ, મને ધરપકડ વિશે જાણ નહોતી અને અલ્લુ અર્જુનને ભાગદોડ સાથે કોઈ લેવાદેવા નથી જેમાં મારી પત્નીનું મૃત્યુ થયું હતું. હું કેસ પરત લેવા તૈયાર છું.
અલ્લુ અર્જુનના વકીલે શું કરી દલીલ
તેલંગાણા હાઇકોર્ટમાં અલ્લુ અર્જુનના વકીલે દલીલ કરતાં કહ્યું, થિયેટરમાં સ્ક્રિનિંગ વખતે એક્ટરના આગમનથી કોઈનું મોત થશે તેવો પોલીસના નિર્દેશમાં ક્યાંય ઉલ્લેખ નહોતો. અભિનેતાઓ તેમની ફિલ્મના પ્રથમ શૉમાં સામેલ થાય તે સામાન્ય વાત છે. વકીલે શાહરૂખ ખાન સામે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના મામલાનો ઉલ્લેખ કર્યો હતો. રઇશના પ્રમોશન દરમિયાન થયેલી ભાગદોડમાં શાહરૂખ ખાન પર કેસ થયો હતો. તે સમયે કોર્ટે કહ્યું હતું કે, જ્યારે આવી ઘટનામાં વ્યક્તિના મોત સાથે અભિનેતાના સીધી રીતે સંકળાયેલા હોય ત્યારે જ આરોપ સાબિત થાય છે. સુનાવણી દરમિયાન અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો કે અભિનેતાની ધરપકડ માત્ર સનસની ફેલાવવા માટે કરવામાં આવી છે, જોકે તેની કોઈ જરૂરિયાત નથી.
પાયલ રોહતગીએ કર્યું અલ્લુ અર્જુનનું સમર્થન
બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગી અલ્લુ અર્જુનના સમર્થનમાં સામે આવી છે. મૃતકના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, ભાગદોડ માટે અલ્લુ અર્જુનને જવાબદાર ઠેરવી શકાય નહીં. કારણ કે અલ્લુ અર્જુન ત્યાં સુરક્ષાનું સંચાલન કરી રહ્યો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે લોકોએ સમજવું જોઈએ કે લાઇનમાં રહેવાનો અર્થ શું છે. આ દુઃખદ ઘટના બની ત્યારે પીડિત અને અભિનેતા બંને જાહેર સ્થળે હતા. હું આ માટે અલ્લુ અર્જુનને દોષ આપી શકતી નથી.
આ પણ વાંચો : Breaking News: અલ્લુ અર્જુનને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
શું છે મામલો
નોંધનીય છે કે 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા 2’નો પ્રીમિયર યોજાયો હતો. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ વખતે અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક મહિલા (રેવતી 35 વર્ષ)નું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.
મૃતક મહિલાના પરિવારે અલ્લુ અર્જુન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટના અંગે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો, ત્યાર બાદ થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને વચન આપ્યું હતું કે પીડિતાના પરિવારને રૂ 25 લાખની સહાય આપવામાં આવશે. તેમણે રેવતીના પુત્રના તબીબી ખર્ચની કાળજી લેવાની ખાતરી પણ આપી હતી.