આંધ્રપ્રદેશમાં ભાજપ,ટીડીપી અને જનસેના પાર્ટી વચ્ચે ગઠબંધન, જાણો રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી?
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની હાજરી મજબુત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ જ વ્યુહરચનાના ભાગરૂપે તેણે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી સાથે ચૂંટણી ગઠબંધન કર્યું છે. કેન્દ્રિય મંત્રી અમિત શાહના નિવાસસ્થાન પર થયેલી મિટિંગ બાદ આંધ્રપ્રદેશ માટે સીટ શેયરિંગ પર સહેમતી બની ગઈ છે. આંધ્રપ્રદેશમાં ભાજપ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી અને પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અને જનસેના આંધ્રની 8 લોકસભા અને 30 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે, જ્યારે ટીડીપી 17 લોકસભા અને 145 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે ભાજપ અરાકુ, રાજમુન્દ્રી, નરસાપુરમ, તિરુપતિ, હિન્દુપુર અને રાજમપેટ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જ્યારે જનસેનાને અનાકપલ્લે, કાકીનાડા અને મછલીપટ્ટનમ આ ત્રણ સીટોમાંથી બે બેઠકો મળી શકે છે.
શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને અમિત શાહ, જેપી નડ્ડા, ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણ વચ્ચે યોજાયેલી બેઠકમાં બેઠકની વહેંચણી પર સમજૂતી થયા બાદ નાયડુની એનડીએ ગઠબંધનમાં વાપસીનો માર્ગ પણ સાફ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય પક્ષો એનડીએ ગઠબંધન હેઠળ એકસાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ટૂંક સમયમાં ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી શકે છે. ભાજપ અને ટીડીપીના ટોચના નેતાઓ વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત બાદ ચંદ્રબાબુ નાયડુની એનડીએ ગઠબંધનમાં વાપસીની ફોર્મ્યુલા પર સમજૂતી થઈ છે.