સરકાર વિપક્ષી નેતાઓના ફોન હેક કરતી હોવાનો આક્ષેપ
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે મારી ઑફિસ, મારા પક્ષના અનેક નેતા સહિત વિપક્ષોના વિવિધ નેતાના ફોન સરકાર દ્વારા હૅક કરાતા હોવાની ચેતવણી ‘એપલ’ પાસેથી મળી છે. આમ છતાં, કંપનીએ આ આક્ષેપ નકારી કાઢ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓ અદાણીનો મુદ્દો જ્યારે ઉઠાવે છે ત્યારે તપાસ એજન્સીઓ આ ઉદ્યોગપતિનો વિરોધ કરતા નેતાઓની જાસૂસી શરૂ કરવા લાગે છે અને તેઓને હેરાન કરે છે. દેશમાં સૌથી ‘મોટી વ્યક્તિ’ અદાણી, બીજા ક્રમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ત્રીજા ક્રમે અમિત શાહ હોવાનું લાગે છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમારા પક્ષના નેતાઓ – કે.સી. વેણુગોપાલ, પવન ખેડા, સુપ્રિયા શ્રીનેત સહિત વિપક્ષના અનેક નેતાને ‘એપલ’ દ્વારા સંબંધિત ચેતવણી મોકલાઇ છે. કૉંગ્રેસના આ નેતાએ ઉદાહરણ આપતી વખતે
એક વાર્તા સંભળાવતા જણાવ્યું હતું કે એક રાજાનો તેની જનતા જોરદાર વિરોધ કરતી હતી અને તેના પર હુમલા કરતી હતી, પરંતુ તે રાજાને કોઇ અસર નહોતી થતી. પ્રજા એક ઋષિ પાસે ગઇ અને ઇલાજ પૂછ્યો ત્યારે ઋષિએ કહ્યું કે રાજાનો જીવ એક નાની ઝૂંપડીમાંના પોપટમાં છે. રાજાની જેમ મોદીનો જીવ અદાણીમાં રહેલો છે. વિપક્ષના નેતાઓ અદાણીનો મુદ્દો ઉઠાવે કે તુરત તેઓને લક્ષ્ય બનાવાય છે અને તેઓની જાસૂસી કરવાનું શરૂ કરી દેવાય છે.
વિપક્ષના અનેક નેતાને ટેક્સ્ટ અને ઇમેલ દ્વારા એવો સંદેશો મળ્યો હોવાનું કહેવાય છે કે નતમારો આઇફોન સરકાર દ્વારા હૅક કરાવાય છે.થ વિપક્ષના નેતાઓએ આ સંદેશાના સ્ક્રીનશૉટ લઇને સોશિયલ મીડિયા નએક્સથ પર મૂક્યા હતા.
વિપક્ષના સાંસદોએ મૂકેલા સંદેશામાં લખાયું હતું કે નચેતવણીઽ: સરકારના હૅકર્સ તમારા આઇફોનને લક્ષ્ય બનાવી શકે છે.થ
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથનાં સાંસદ પ્રિયંકા ચૌધરી, તૃણમૂલ કૉંગ્રેસના મહુઆ મોઇત્રા, આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા, કૉંગ્રેસના શશી થરૂર, કૉંગ્રેસના પ્રસારમાધ્યમ વિભાગના વડા પવન ખેડાએ પોતાને નએપલથ દ્વારા મળેલો હોવાનું કહેવાતા સંદેશાને નએક્સથ પર પોસ્ટ કર્યો હતો.
માર્ક્સવાદી પક્ષના મહામંત્રી સીતારામ યેચુરીને પણ આવી ચેતવણી આપતો સંદેશો મળ્યો હતો.
દરમિયાન, ભાજપના અમિત માલવિયાએ વિપક્ષના નેતાઓના સંબંધિત આક્ષેપને રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ વિપક્ષના નેતાઓએ આવા મુદ્દે ખોટો હોબાળો કર્યો હતો. આ વખતે પણ તેઓ નએપલથ પાસેથી આ કિસ્સામાં ખુલાસો મેળવ્યા વિના આક્ષેપ કરી રહ્યા છે. (એજન્સી)
‘એપલ’ની સ્પષ્ટતા
નવી દિલ્હી: વિપક્ષના અમુક સાંસદોને ફોન હૅક કરવાને લગતો સંદેશોે મળ્યો હોવા વચ્ચે આઈફોનના ઉત્પાદક ઍપલે મંગળવારે કહ્યું હતું કે આને અમે ધમકીભર્યું જાહેરનામું ન ગણી શકીએ અને આ પ્રકારની ચેતવણીના કારણ અંગે અમે માહિતી પૂરી ન પાડી શકીએ.
આઈફોનમાંથી માહિતી ચોરી લેવાની હૅકર દ્વારા ચેતવણી આપવામાં આવી હોવાનું સરકારના અમુક સૌથી મોટા ટીકાકારોએ જણાવ્યા બાદ ઍપલે બહાર પાડેલા નિવેદનમાં
જણાવ્યું હતું કે શક્ય છે ધમકીભર્યા અમુક સંદેશા ખોટા હોઈ શકે અને અમુક સંદેશા પકડી શકાયા ન હોય.
ફોન હૅક કરવાના ચેતવણીભર્યા સંદેશાને અમે ધમકીભર્યું જાહેરનામું ન ગણી શકીએ, એમ ઍપલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આ હૅકરો અત્યાધુનિક સાધનોથી સજ્જ હોવા ઉપરાંત તેમને ખૂબ આર્થિક ભંડોળ મળતું હોય છે. આ હૅકરો સમયાંતરે હૅકિંગ કરતા રહે છે, એમ તેમણે કહ્યું હતું.
ગુપ્ત માહિતીને આધારે આવા હૅકરોને શોધી શકાય છે, એમ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી)
સરકારે તપાસના આદેશ આપ્યા
નવી દિલ્હી: વિપક્ષના ફોન ‘હેક’ કરવાના આરોપો સામે સરકારે જવાબ આપ્યો હતો કે એપલની એડવાઇઝરી ૧૫૦ દેશોમાં જાહેર થઇ છે. આ મુદ્દાની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઇ છે અને સરકાર આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરુર, ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસી સહિત વિપક્ષના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે તેમના ફોન હેક થઇ રહ્યા છે. કેન્દ્રીય સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે સમગ્ર વિવાદમાં સરકાર તરફથી જવાબ રજૂ કર્યો હતો. એક
પત્રકાર પરિષદ યોજી કેન્દ્રીય પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું હતું કે, સમગ્ર હેકિંગ વિવાદની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે, સરકાર આ મુદ્દે ચિંતિત છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે. દેશમાં અમુક ટીકાકારો છે કે જેઓ દેશના વિકાસને સહન નથી કરી શકતા, દેશમાં જ્યારે તેમના પરિવારની સત્તા હતી ત્યારે તેમણે ફક્ત પોતાના વિશે વિચાર્યું.
કેન્દ્રીય પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે કહ્યું, “એપલ તરફથી કેટલાક લોકોને એલર્ટ મળ્યું છે, જેના વિશે હું સ્પષ્ટતા કરવા માગુ છું કે કેન્દ્ર સરકાર આ મુદ્દાને લઇને ગંભીર છે. આ અંગે અમે તપાસના આદેશ આપી દીધા છે. અમે ઘટનાના મૂળ સુધી તપાસ કરાવીશું. આ તપાસ સીઇઆરટી-ઇન દ્વારા કરવામાં આવશે.
આ સાથે જ કેન્દ્રીય પ્રધાને વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, “હું તમારી સામે એક વાત મુકવા માંગુ છું. આપણા દેશમાં કેટલાક આલોચકો છે, જેમની સતત આલોચના કરવાની આદત હોય છે. તેમની એવી હાલત છે કે જ્યારે ઉંઘમાંથી ઉઠવાની સાથે જ તેઓ સરકારની ટીકા કરવાનું શરૂ કરી દે છે. આ લોકો દેશની ઉન્નતિને પચાવી શકતા નથી..કારણકે જ્યારે એ લોકો સત્તામાં હતા ત્યારે તેમણે ફક્ત તેમના પોતાના વિશે જ વિચાર્યું પોતાનું પેટ કેવી રીતે ભરાય, પોતાનું પોષણ કઇ રીતે થાય એ તેમણે વિચાર્યું, દેશના લોકો સાથે તેમને લેવાદેવા ન હતી.
એપલે ૧૫૦ દેશોમાં એડવાઇઝરી જાહેર કરી છે. તેમને પણ ખ્યાલ નથી કે શું થયું છે. તેમણે એક ચોક્કસ અનુમાનના આધારે લોકોને એલર્ટ મોકલ્યું છે. તમને સૌને ખ્યાલ છે કે એપલ એવો દાવો કરતું આવ્યું છે કે તેના ફોન કોઇ હેક ન કરી શકે. એપલે પોતાનો પક્ષ મુક્યો છે એટલે વિપક્ષના દાવામાં કોઇ તથ્ય નથી, તેવું કેન્દ્રીય પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું.
વિપક્ષો ફક્ત ‘ધ્યાન આકર્ષવાની નીતિ’ પર રાજકારણ રમે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે પ્રકારે દેશનું કદ વધ્યું છે, તેને પગલે તેઓ મુશ્કેલીઓ ઊભી કરીને હેરાન કરવાના ઇરાદે આ કામ કરી રહ્યા છે, તેવું અશ્ર્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું હતું.
વિપક્ષના આક્ષેપ
પાયાવિહોણા: ભાજપ
નવી દિલ્હી: વિપક્ષના નેતાઓના ફોન કેન્દ્ર સરકાર દ્વારા હૅક કરાવાતા હોવાનું અને તેઓની જાસૂસી કરાવાતી હોવાનું કહેતા આક્ષેપને ભાજપે પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા અને વિપક્ષના નેતાઓને આ સંબંધમાં પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) નોંધાવવા પડકાર ફેંક્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓએ આ કહેવાતા ફોન હૅકિંગના સંદર્ભે ફોન કંપનીના ખુલાસાની પણ રાહ નહોતી જોઇ.
ભાજપના માહિતી તંત્રજ્ઞાન (આઇટી) વિભાગના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફોન હૅકિંગનો આક્ષેપ કર્યો, તેના થોડા સમયમાં જ ‘એપલ’ દ્વારા તેને રદિયો અપાયો હતો. રાહુલ ગાંધીએ પોતાને
મજાક બનાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસના નેતા આ મુદ્દા ઉઠાવીને બીજા બધાનો સમય બરબાદ કરી રહ્યા છે. વિદેશી એજન્સીઓ દ્વારા સ્પોન્સર કરાતી આવી સ્ટોરી ઉઠાવીને સમય બગાડાય છે.
માલવિયાએ જણાવ્યું હતું કે અગાઉ પેગાસસ મેલવેર દ્વારા અમુક લોકોના ફોન હૅક કરાવાતા હોવાના આક્ષેપ કરાયા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી સમિતિને રાહુલ ગાંધીએ પોતાનો આઇફોન તપાસ માટે આપવાનો ઇનકાર કર્યો હતો. (એજન્સી)