રાહુલ, પ્રિયંકા સામે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરવાનો આક્ષેપ
નવી દિલ્હી: ભાજપે શનિવારે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડરાએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના દિવસે સોશિયલ મીડિયા ‘એક્સ’ પર મત માગતી પૉસ્ટ મૂકીને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કર્યો હોવાથી તેઓના સૉશિયલ મીડિયા અકાઉન્ટ્સ બંધ કરાવીને તેઓની સામે કડક પગલાં લેવા જોઇએ.
અગાઉ, રાહુલ ગાંધીએ ‘એક્સ’ પરની પૉસ્ટમાં રાજસ્થાનના મતદારોને કૉંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા વિનંતિ કરી હતી અને લખ્યું હતું કે મને આશા છે કે રાજસ્થાન(ના મતદારો) ફ્રી ટ્રીટમેન્ટ (નિ:શુલ્ક તબીબી સારવાર), સસ્તો રાંધણગૅસ, ખેતી માટેની વ્યાજ વિનાની લોન, અંગ્રેજી શિક્ષણ અને જાતિ પર આધારિત વસતિગણતરીને પસંદ કરશે (એટલે કે ચૂંટણીઢંઢેરામાં આ બધા વચન આપનારા કૉંગ્રેસના ઉમેદવારોને મત આપશે). પ્રિયંકાએ ‘એક્સ’ પરની
પૉસ્ટમાં લખ્યું હતું કે હું રાજસ્થાનના મતદારોને કૉંગ્રેસની ગૅરન્ટીની તરફેણમાં મતદાન કરવા વિનંતિ કરું છું. તમારો દરેક મત અમૂલ્ય છે.
ભાજપે ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મતદાનના ૪૮ કલાકની પહેલાં ચૂંટણીપ્રચાર બંધ કરી દેવાય છે. કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે સોશિયલ મીડિયા પર મતદારો પાસે મત માગતી વિનંતિ કરીને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કર્યો છે. તેમણે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવાની પ્રક્રિયાની વિરુદ્ધમાં કાર્ય કર્યું છે.
ભાજપે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીને રાહુલ ગાંધીની સામે ફોજદારી ફરિયાદ નોંધવા અને ફોજદારી કાર્યવાહી કરવા આદેશ આપવો જોઇએ.
ભાજપે ચૂંટણી પંચને કૉંગ્રેસના આ બે અગ્રણી નેતાની સામે કડક પગલાં લેવા અને તેમનું સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરાવવા વિનંતિ કરી હતી. (એજન્સી)