Allahabad હાઈકોર્ટેએ કહ્યું જો ધર્માંતરણ નહિ અટકે તો બહુમતી સમાજ લઘુમતી સમાજમાં ફેરવાઈ જશે

નવી દિલ્હી : અલ્હાબાદ(Allahabad) હાઈકોર્ટે ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનને(Conversion) લઈને ખૂબ જ ગંભીર ટિપ્પણી કરી છે. ખ્રિસ્તી ધર્મમાં સતત થઈ રહેલા ધર્માંતરણને લઈને કોર્ટે કહ્યું કે આ ધર્માંતરણ સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. જો આમ જ ચાલતું રહ્યું તો એક સમય એવો આવશે જ્યારે બહુમતી સમાજ પોતે લઘુમતી સમાજમાં ફેરવાઈ જશે.
ધર્મ પરિવર્તન કરાવતા કાર્યક્રમો પર તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઈએ
આ મુદ્દાને લઈને હાઈકોર્ટે કહ્યું કે ધર્મ પરિવર્તન કરાવતા કાર્યક્રમો પર તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઈએ. આવી ઘટનાઓ બંધારણની કલમ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. આ કલમ કોઈપણ વ્યક્તિને આચરણ અને પૂજા કરવાની તેમજ તેના ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે.
ધાર્મિક પ્રચારની સ્વતંત્રતા ધર્મ પરિવર્તનની મંજૂરી નથી
વાસ્તવમાં, એક કેસમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે ધાર્મિક પ્રચારની સ્વતંત્રતા કોઈને પણ ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી આપતી નથી. ઉત્તર પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમો દ્વારા નિર્દોષ ગરીબ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમને ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આવી સ્થિતિમાં ધર્મ પરિવર્તનના આરોપની ગંભીરતાને જોતા અરજદારને જામીન પર મુક્ત કરી શકાય નહીં.
ગામના તમામ લોકોને ખ્રિસ્તી બનાવવાનો આરોપ
જામીન નામંજૂર કરવાનો આદેશ આપનાર જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેંચે આ મામલે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે મૌદહા હમીરપુરના રહેવાસી અને હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાના આરોપી કૈલાશની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું છે કે જામીન માંગનાર વ્યક્તિ પર ગંભીર આરોપો છે. તેમણે કહ્યું કે બંધારણ ધર્મના પ્રચારની પરવાનગી આપે છે, પરંતુ ધર્મ પરિવર્તનની મંજૂરી આપતું નથી અને અરજદાર પર ગામના તમામ લોકોને ખ્રિસ્તી બનાવવાનો આરોપ છે.
ધર્માંતરણની બાબત શું છે?
આ મામલામાં એફઆઈઆર રામકલી પ્રજાપતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેના અનુસાર કૈલાશ નામનો વ્યક્તિ તેના માનસિક રીતે બીમાર ભાઈને એક અઠવાડિયા માટે દિલ્હી લઈ ગયો હતો અને કહ્યું હતું કે તે તેની સારવાર કરાવ્યા બાદ તેને પાછો લાવશે. આરોપ છે કે તેનો ભાઈ લાંબા સમય સુધી પાછો ન આવ્યો અને જ્યારે તે આવ્યો ત્યારે તે ગામના ઘણા લોકોને દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં લઈ ગયો અને ત્યાં તેમને ખ્રિસ્તી બનાવ્યા અને બદલામાં પૈસા પણ આપ્યા. કોર્ટે આરોપીને જામીન આપવાનો સખત ઇનકાર કર્યો છે.