નેશનલ

‘દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે…’ આ હાઈકોર્ટના જજે ટ્રિપલ તલાક, હલાલા અને UCC વિષે ખુલીને વાત કરી

પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે (Justice Shekhar Kumar Yadav) રવિવારે એક કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદનથી વિવાદ છેડાયો છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા આયોજિત કાર્યક્રમ તેમણે કથિત રીતે વિભાજનકરી નિવેદન આપ્યું હતું, જે વિષે ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ હિન્દુસ્તાન છે, આ દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે. તેમના સંબોધનમાં, તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા, સતી અને જૌહર જેવી પ્રથાઓ નાબૂદ કરવામાં આવી છે, જ્યારે અન્ય સમુદાયમાં એકથી વધુ પત્નીઓ રાખવાની પ્રથા હજુ પણ ચાલુ છે.

પ્રજ્ઞાગરાજમાં VHPના કાર્યક્રમમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર બોલતી વખતે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટના અન્ય સીટીંગ જજ જસ્ટિસ દિનેશ પાઠક પણ હાજર હતા.

આપણે સહનશીલ છીએ:
તેમણે કહ્યું કે, “આપણે નાનામાં નાના પ્રાણીઓને પણ નુકસાન ન કરવાનું, કીડીઓને પણ ન મારવાનું શીખવવામાં શીખવીએ છીએ, અને આ શિક્ષા આપણી સાથે જડાયેલી છે. કદાચ એટલે જ આપણે સહનશીલ અને દયાળુ છીએ; જ્યારે અન્ય લોકો પીડાય છે ત્યારે આપણે પીડા અનુભવીએ છીએ. પરંતુ તેમની સંસ્કૃતિમાં, નાનપણથી જ બાળકો કતલખાના બતવવામાં આવે છે. તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે તેઓ સહનશીલ અને દયાળુ બને?”

આ દેશ બહુમતીની ઈચ્છા મુજબ ચાલશે:
આહેવાલ મુજબ જસ્ટિસ શેખર યાદવે કહ્યું, ‘મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે, આ દેશ ભારતમાં રહેતા બહુમતીની ઈચ્છા પ્રમાણે કામ કરશે. આ કાયદો છે. તમે એવું ન કહી શકો કે તમે હાઇકોર્ટના જજ તરીકે આવું કહી રહ્યા છો. વાસ્તવમાં કાયદો બહુમતીના હિસાબે કામ કરે છે. તેને કુટુંબ કે સમાજના સંદર્ભમાં જુઓ. બહુમતીનું કલ્યાણ અને સુખ હોય તે જ સ્વીકારવામાં આવશે.’

હિંદુ ધર્મમાં સ્ત્રીઓનું સન્માન:
જસ્ટિસ શેખરે વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રો અને વેદ જેવા હિંદુ ગ્રંથોમાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે, જ્યારે એક સમુદાયના સભ્યો એકથી વધુ પત્નીઓ રાખવા, હલાલા અથવા ટ્રિપલ તલાકનો અધિકાર માંગે છે.

તેમણે કહ્યું, તમે સ્ત્રીઓનું અપમાન ન કરી શકો કે જેને આપણા શાસ્ત્રો અને વેદોમાં દેવી તરીકે માન્યતા આપવામાં આવી છે. તમે ચાર પત્નીઓ રાખવાનો, હલાલા અથવા ટ્રિપલ તલાકનો અધિકાર ન માંગી શકો. તમે કહો છો, અમને ટ્રિપલ તલાક આપવાનો અને મહિલાઓને ભરણપોષણ ન આપવાનો અધિકાર છે. UCC એવી વસ્તુ નથી જેની VHP, RSS અથવા હિન્દુ ધર્મ હિમાયત કરે છે. દેશની સર્વોચ્ચ અદાલત પણ આ અંગે વાત કરે છે.

મુસ્લિમ સમુદાયમાં દુષણો:
ન્યાયાધીશ શેખરે એમ પણ કહ્યું હતું કે હિંદુ ધર્મમાં બાળ લગ્ન, સતી પ્રથા અને બાળકીને દૂધપીતી કરવા જવા ઘણા સામાજિક દૂષણો હતાં, પરંતુ રામ મોહન રોય જેવા સુધારકોએ આ પ્રથાઓને દૂર કરવા મહેનત કરી હતી. જો કે, તેમણે કહ્યું કે જ્યારે મુસ્લિમ સમુદાયમાં હલાલા, ટ્રિપલ તલાક અને અપનાવવા સંબંધિત સામાજિક દુષણોની વાત આવે છે, ત્યારે તેમની સામે ઊભા રહેવાની હિંમત નથી અથવા એમ કહી શકાય કે મુસ્લિમ સમુદાય તરફથી આ મુદ્દાઓને ઉકેલવા માટે કોઈ પહેલ કરવામાં આવી નથી

Also Read – “મુસલમાનો મુઘલોના નહિ પણ પેગંબરના વંશજ” અજમેર દરગાહ મામલે સપાના સાંસદનું નિવેદન

અગાઉ પણ વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી ચુક્યા છે:
જસ્ટિસ શેખર અગાઉ પણ ચર્ચામાં રહી ચુક્યા છે. સપ્ટેમ્બર 2021 માં, તેમણે કહ્યું હતું કે “વૈજ્ઞાનિકો માને છે કે ગાય એકમાત્ર પ્રાણી છે જે હવામાં ઓક્સિજન છોડે છે.” તેમણે સંસદને ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવા અને ગાય સંરક્ષણને “હિંદુઓના મૂળભૂત અધિકાર” તરીકે જાહેર કરવા પણ હાકલ કરી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button