અલહાબાદ હાઈ કોર્ટે મથુરા મંદિર માટે આપ્યો આ મોટો ચુકાદો…
અલહાબાદ: અલહાબાદ હાઈ કોર્ટે 20 નવેમ્બરના રોજ ચુકાદો આપતા કહ્યું હતું કે મથુરામાં બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનાવવાની યુપી સરકારની યોજનાને મંજૂરી આપી હતી. જો કે હાઈ કોર્ટે મંદિરના બેંક ખાતામાં જમા કરાયેલા નાણાંનો કોરિડોર બનાવવા માટે ઉપયોગ કરવાની પરવાનગી આપી ન હતી.
ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ડિવિઝન બેન્ચે સોમવારે આ ચુકાદો આપતા કહ્યું હતું કે યુપી સરકારે કોરિડોરની તેમની યોજનાઓને અમલમાં મૂકવી જોઇએ. પરંતુ તેમાં ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવે કે દર્શનાર્થીઓને કોઇ પણ પ્રકારની અસુવિધા ના પડે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે કોરિડોર બનાવવામાં અડચણરૂપ બની રહેલા દબાણને દૂર કરવું જોઇએ.
તેમજ આ કોરિડોર સરકારે પોતાના ખર્ચે બાંધવો પડશે. બાંકે બિહારી ટેમ્પલ કોરિડોર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના આધાર પર બનાવવામાં આવશે કે નહિ એ બાબતનો ચુકાદો હાઈ કોર્ટે આઠ નવેમ્બર માટે અનામત રાખ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી 31 જાન્યુઆરી 2024ના રોજ થશે. જેની અરજી અનંત શર્મા, મધુમંગલ દાસ અને બીજા અન્ય લોકો તરફથી દાખલ કરવામાં આવી છે.
હાઈ કોર્ટે મંદિરના બેંક ખાતામાં જમા કરાયેલા પૈસા કોરિડોરના નિર્માણ પાછળ ખર્ચવાની મંજૂરી આપી ન હતી. જો કે પૂજારીઓએ કોરિડોરને બિનજરૂરી ગણાવીને પ્રસાદ અને દાનની રકમ આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે સરકારે પોતાના ખર્ચે આ કોરિડોર બનાવવો પડશે.
મથુરામાં ભાજપના સાંસદ હેમા માલિનીએ કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હતું કે કોરિડોરના નિર્માણ બાદ ભક્તોને દર્શન કરવામાં વધુ સરળતા રહેશે અને તેઓ આરામથી દર્શન કરી શકશે.