સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક, પહેલીવાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટમાં ત્રણેય જજ અનુસૂચિત જાતિના……

નવી દિલ્હી: કર્ણાટક હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલેએ 25 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સંકુલમાં એક સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ન્યાયમૂર્તિ વરાલેને શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ વરાલેની નિમણૂક સાથે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34 થઈ છે. 25 ડિસેમ્બરે જસ્ટિસ સંજય કિશન કૌલની નિવૃત્તિ બાદ છેલ્લા ઘણા વખતથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની જગ્યા ખાલી પડી હતી.
કાયદા અને ન્યાય મંત્રાલયે 24 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ વરાલેની નિમણૂકની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 19 જાન્યુઆરીએ જસ્ટિસ વરાલેના નામની ભલામણ કરી હતી. કોલેજિયમે કહ્યું હતું કે 2008માં બોમ્બે હાઈ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ વરાલેને ઘણો સારો અનુભવ છે. તેઓ કર્ણાટક હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. તેમના અનુભવના આધારે તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા છે.
જસ્ટિસ પ્રસન્ના બી વરાલે સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલીવાર એવું બન્યું છે કે અનુસૂચિત જાતિના ત્રણેય જજ એકસાથે સુપ્રીમ કોર્ટમાં છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ અનુસૂચિત જાતિમાંથી આવે છે.
જસ્ટિસ પ્રસન્ના બી વરાલેનો જન્મ 23 જૂન 1962ના રોજ કર્ણાટકના નિપાળીમાં થયો હતો. તેમની વકીલાતની કારકિર્દી પણ ખૂબ જ સારી રહી છે. જસ્ટિસ વરાલે 1985માં ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી આટ્સ અને કાયદામાં સ્નાતક થયા હતા. ત્યારબાદ તેમણે 1985માં વકીલાતની કારકિર્દી શરૂઆત કરી હતી. જુલાઈ 2008માં બોમ્બે હાઈ કોર્ટમાં એડિશનલ જજ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમની કામગીરી જોતા ત્રણ વર્ષ બાદ તેમને હાઈ કોર્ટના કાયમી જજ બનાવી દેવામાં આવ્યા હતા.
જસ્ટિસ વરાલે બોમ્બે હાઈકોર્ટમાં 14 વર્ષ સુધી સેવા આપી હતી. ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેમને કર્ણાટક હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કર્ણાટક હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચુકાદાઓ આપ્યા છે.