ભારતમાં લોકશાહી સંસ્થાનો પર સંપૂર્ણકક્ષાનો હુમલો: રાહુલ
લંડન: ભારતમાં લોકશાહી સંસ્થાનો પર સંપૂર્ણકક્ષાનો હુમલો કરવામાં આવી રહ્યો છે અને યુરોપિયન યુનિયન (ઈયુ) આ બાબતથી ચિંતિત હોવાનું કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના વ્યાપક મુદ્દાઓને આવરી લેતા રાહુલ ગાંધીએ બ્રસેલ્સ ખાતે પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે આ મુદ્દે સરકારના વર્તમાન વલણ સાથે વિપક્ષ સહમત છે.
ભારત જી-૨૦નું યજમાનપદ સંભાળી રહ્યું હોવા અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે આ સારી બાબત
છે. જોકે, દેશના ૬૦ ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરતા કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં ન આવ્યું એ બાબત સરકારની માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે, એમ તેમણે કહ્યું હતું. ભારતમાં ભેદભાવ અને હિંસા વધી રહ્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી સંસ્થાનો પર સંપૂર્ણકક્ષાનો હુમલો કરવામાં આવી રહ્યો છે. (એજન્સી)