એલર્ટઃ આ રાજ્યમાંથી મળી આવ્યો વાઈરસ, આરોગ્ય વિભાગ દોડતું
બેંગલુરુઃ કર્ણાટકમાં ઝિકા વાઈરસ મળવાથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. બેંગલુરુ સિટી નજીકના ચિકક્કાબલ્લારપુર જિલ્લામાં મચ્છરોમાં ખતરનાક ઝિકા વાઈરસ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ સમગ્ર કર્ણાટક આરોગ્ય પ્રશાસને રાજ્યને એલર્ટ કરાયું છે, જ્યારે તે વાઈરસના સંક્રમણને અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કર્ણાટક રાજ્યના વિવિધ સ્થળોએથી મચ્છરોમાં ઝિકા વાઈરસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ચિક્કાબલ્લાપુરા જિલ્લામાંથી 6 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 5 લોકોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે શિદલઘટ્ટા તાલુકાના તલકાયલાબેટ્ટા ગામમાંથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી લોકોમાં દોડાદોડી થઈ ગઈ છે.
આ વાઈરસની જાણકારી મળ્યા પછી આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાકીદે બેઠક બોલાવી હતી. આ વાઈરસના સંક્રમણને રોકવા માટે જરુરી ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે, આરોગ્ય વિભાગના ડોક્ટરે કહ્યું હતું કે 27મી ઓક્ટોબરે મચ્છરોમાં ઝિકા વાઈરસ મળ્યા હતા. હજુ સુધી માનવીના લોહીના નમૂનામાં આ જોવા મળ્યા નથી. જોકે, 30 સગર્ભા સ્ત્રીઓ અને તાવના લક્ષણોવાળા સાત વ્યક્તિના લોહીના નમૂના એકત્રિત કર્યા છે અને તેમને પરીક્ષણ માટે બેંગલુરુ મોકલ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સામાન્ય રીતે લોકોમાં ઝિકા વાઈરસ ઝડપથી ફેલાઈ છે. આ ઉપરાંત, માનવીના લોહીના નમૂનાના સેમ્પલને ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે તેની સાથે સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગના એલર્ટ કરવામાં આવ્યું છે.