
મુંબઈ: સેબી (Securities and Exchange Board of India)ના એક અહેવાલ અનુસાર 70 ટકાથી વધુ વ્યક્તિગત કે જેઓ ઈન્ટ્રાડેમાં ટ્રેડિંગ કરે છે તેઓને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન સરેરાશ રૂ. 5,371 કરોડનું નુકસાન થયું છે. ઈન્ટ્રાડે ટ્રેડર્સ એ છે જેઓ એક જ દિવસ ખરીદવા અને વેચવાનો વેપાર કરતા હોય છે. આ અભ્યાસ અંદાજે 70 લાખ ટ્રેડર્સ પર કરવામાં આવ્યો હતો, જેઓ ઈક્વિટી કેશ સેગમેન્ટમાં વેપાર કરે છે.
જાન્યુઆરી 2023માં સેબીના અન્ય એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે 90 ટકા સક્રિય ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) રોકાણકારો (જેઓ વર્ષમાં પાંચ કરતાં વધુ વાર વેપાર કરે છે)એ નાણાકીય વર્ષ 2022માં સરેરાશ રૂ. 60 હજાર કરોડની ખોટ કરી હતી.
માર્કેટ રેગ્યુલેટરના બંને અભ્યાસો પરથી એવું જાણવા મળે છે કે કેવી રીતે નાના રોકાણકારો ઘણી વાર ઝડપી નાણાં કમાવાની આકાંક્ષા સાથે ઈક્વિટી ટ્રેડિંગ તરફ આકર્ષાય છે. સેબીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અભ્યાસથી ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં સંકળાયેલા જોખમો વિશે વ્યક્તિગત વેપારીઓમાં જાગરૂકતા વધવાને અપેક્ષા છે.
આ મહિને અત્યાર સુધીમાં કેશ સેગમેન્ટ માટે સરેરાશ દૈનિક ટ્રેડિંગ ટર્નઓવર રૂ. 1.5 ટ્રિલ્યન છે. આમાંથી ત્રીજા ભાગનો વેપાર ઈન્ટ્રાડે હોય છે, એવું સેબીએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું.
તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં એવા રોકાણકારોનો પણ વધારો જોવા મળ્યો હતો કે જેઓ ઊંચા જોખમવાળા ઈન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે. સેબીના ડેટા અનુસાર ટોચના 10 બ્રોકર્સમાં ઈન્ટ્રા-ડે ટ્રેડર્સની સંખ્યા (જે 86 ટકા બજારમાં હિસ્સો ધરાવે છે) નાણાકીય વર્ષ 2019માં 14 લાખથી નાણાકીય વર્ષ 2023માં ચાર ગણી વધીને 69 લાખ થઇ ગઇ છે.