નેશનલ

પાંચ વર્ષમાં પછાત વર્ગના 13,626 વિદ્યાર્થીઓએ IIT, IIM અને કેન્દ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ છોડ્યો

નવી દિલ્હી: સાંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે સોમવારે શિક્ષણ રાજ્ય પ્રધાન સુભાષ સરકારે લોકસભામાં પછાત વર્ગના વિદ્યાર્થીઓના કેન્દ્રિય યુનિવર્સીટીઓ, IIT અને IIMમાંથી ડ્રોપ લેવાના સવાલ અંગેના સવાલનો જવાબ આપ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં દલિત (SC), આદિવાસી (ST) અને અન્ય પછાત સમુદાય (OBC)ના 13,626 વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IIT અને IIMમાંથી અભ્યાસ છોડી દીધો હતો.

લોકસભામાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં SC, ST અને OBC વિદ્યાર્થીઓમાં ઊંચા ડ્રોપઆઉટ રેટના કારણોને સમજવા માટે કોઈ અભ્યાસ કર્યો છે? સરકારે જવાબ આપ્યો કે “વિદ્યાર્થીઓ પાસે ઉચ્ચ શિક્ષણમાં ઘણી પસંદગીઓ હોય છે. તેઓ ઘણીવાર જુદી જુદી સંસ્થાઓ વચ્ચે અથવા એક જ સંસ્થાની અંદરના વિવિધ અભ્યાસક્રમો વચ્ચે ટ્રાન્સફર લે છે.”


સરકાર દ્વારા રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં 4,596 OBC, 2,424 SC અને 2,622 ST વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટીમાંથી અભ્યાસ છોડી દીધો છે. આ જ સમયગાળા દરમિયાન, 2,066 OBC, 1,068 SC અને 408 ST વિદ્યાર્થીઓએ IITમાંથી અભ્યાસ છોડી દીધો હતો. 163 OBC, 188 SC અને 91 ST વિદ્યાર્થીઓએ IIMમાંથી અભ્યાસ છોડી દીધો હતો.


જવાબમાં સરકારે જણાવ્યું કે ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે સરકાર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે વિવિધ પ્રકારની સહાય પૂરી પાડી રહી છે. આ પ્રયાસોમાં ફી ઘટાડવા, વધુ સંસ્થાઓની સ્થાપના, શિષ્યવૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે. SC/ST વિદ્યાર્થીઓના કલ્યાણ માટે IITsમાં ટ્યુશન ફી માફ્કારવાની પણ યોજના છે.


સરકારે કહ્યું કે, “SC/ST વિદ્યાર્થીઓની કોઈપણ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે, સંસ્થાઓએ SC/ST વિદ્યાર્થી સેલ, સમાન તક સેલ, વિદ્યાર્થી ફરિયાદ સેલ, વિદ્યાર્થી ફરિયાદ સમિતિ, વિદ્યાર્થી સામાજિક ક્લબ, સંપર્ક અધિકારી, સંપર્ક અધિકારી જેવી સંસ્થાઓની સ્થાપના કરી છે. આ ઉપરાંત યુજીસીએ વિદ્યાર્થીઓમાં સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે સૂચનાઓ જારી કરી છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button