“દીવા-મીણબત્તી પર પૈસા કેમ ખર્ચવા પડે?”: અખિલેશે ક્રિસમસનું ઉદાહરણ આપી યોગી સરકારને ઘેરી

લખનઉ: સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં દિવાળી જેવા તહેવારના સમયે જ વીજળી કાપ અને માળખાગત સુવિધાઓના મુદ્દે યોગી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે રાજ્ય સરકારને નકામી ગણાવી હતી અને નાગરિકોને દિવાળીના તહેવાર દરમિયાન વીજળીની અપેક્ષા ન રાખવા જણાવ્યું હતું.
ક્રિસમસમાંથી શીખો, આ સરકારને હટાવો
અખિલેશ યાદવે સૂચન કરતા કહ્યું હતું કે, “હું કોઈ સૂચન આપવા માંગતો નથી, પરંતુ ભગવાન રામના નામ પર ચોક્કસ એક સૂચન આપીશ. આખી દુનિયામાં ક્રિસમસ દરમિયાન બધા શહેરો ઝગમગી ઉઠે છે અને તે મહિનાઓ સુધી ચાલે છે. આપણે તેમની પાસેથી શીખવું જોઈએ. આપણે દીવા અને મીણબત્તીઓ પર પૈસા શા માટે ખર્ચવા પડે છે અને આટલું વિચારવું શા માટે પડે છે?”
આ પણ વાંચો : અખિલેશ યાદવને વળી આ શું સૂઝયું બે વર્ષ પહેલાના ગુજરાત બોર્ડના પરિણામોની વાત અખિલેશ યાદવે હવે કેમ કરી?
તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું, “આ સરકાર પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ? તેને હટાવી દેવી જોઈએ. અમે ખાતરી આપીશું કે તહેવારોમાં વધુ સુંદર રોશની હોય.” સપા પ્રમુખે લખનઉ શહેરની વર્તમાન સ્થિતિની પણ આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, “રાજ્યની હાલત એવી છે કે લખનઉમાં દરેક જગ્યાએ ટ્રાફિક જામ છે, તેમ છતાં તેને સ્માર્ટ સિટી કહેવામાં આવી રહ્યું છે.”
અખિલેશ યાદવે માગ કરી કે લખનઉને ત્રીજું સૌથી સ્માર્ટ શહેર જાહેર કરનાર અધિકારી વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે શહેરમાં આટલો બધો કચરો અને ટ્રાફિક છે. “તેઓ કરોડો રૂપિયા ખર્ચે છે, તેમ છતાં ટ્રાફિકને નિયંત્રિત કરી શકતા નથી.” અખિલેશ યાદવે બિહાર ચૂંટણીમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ભૂમિકાની ટીકા કરતા આરોપ લગાવ્યો કે યોગી પ્રચાર કરવાને બદલે નફરત ફેલાવવા, નકારાત્મક વિચાર રાખવા અને નાગરિકોના એક સમૂહને બાકાત રાખવાનો આરોપ મૂક્યો હતો.