સંસદ બહાર સુખદ દ્રશ્યો : Akhilesh Yadav એ સાદ દીધો અને Amit Shah સાથે મિલાવ્યા હાથ

નવી દિલ્હી: હાલ 18 મી લોકસભા સંસદના સત્રના ચોથા દિવસે સંસદ પરિસરનો એક વિડીયો સામે આવ્યો છે. ચૂંટણીના આકરા વાર પલટવારોની સ્થિતિઓ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુલાકાતનો વિડીયો સામે આવ્યો છે. જેમા આ બંને નેતાઓ એકબીજાને હાથ મિલાવતાં નજરે પડી રહ્યા છે. બંને નેતાઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ઓમ બિરલાના નિવેદનથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું- આવો રાજકીય પ્રસ્તાવ…
આજે સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સયુંકત સત્રને સંબોધવાના હતા. જેને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંસદના પગથિયાં ચડીને જઈ રહ્યા હતા. જો કે આ સમયે જ કન્નોજના સાંસદ અખિલેશ યાદવ પણ ત્યાં જ ઊભા હતા અને તેમને અમિત શાહ આવતા દેખાયા. અમિત શાહ આગળ વધી રહ્યા હતા ત્યારે જ અખિલેશે તેને બૂમ મારી અને અમિત શાહ રોકાયા એટલે બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને નમસ્કાર કર્યા. ત્યારબાદ બંને નેતાઓ સંસદ ભવનની અંદર ગયા.
પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે આવો તાલમેળ તંદુરસ્ત લોકશાહી માટે ખૂબ જ સુખદ માનવામાં આવે છે. બંને પક્ષોના નેતાઓ ગૃહમાં મુદ્દાઓ અને પક્ષની નીતિઓ પર એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે. પરંતુ ગૃહની બહાર જોવા મળતા સારા સંબંધો મજબૂત લોકશાહીની નિશાની માનવામાં આવે છે.