‘જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ છે, એનાથી શું ખબર પડે’ અખિલેશ યાદવે આમ કેમ કહ્યું
મુઝફ્ફરનગર: કાવડ યાત્રા (Kanwar Yatra) પહેલા ઉત્તર પ્રદેશ(UP) પોલીસે દુકાનદારો માટે જાહેર કરેલા આદેશ બાબતે વિવાદ ઉભો થયો છે. મુઝફ્ફરનગર પોલીસે (Muzaffarnagar police) કાવડ યાત્રાના રૂટ પર ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર માલિકો અને કામદારોના નામ દર્શાવવા કહ્યું હતું, પોલીસે કહ્યું કે યાત્રીઓની મુંજવણ ટાળવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે આ આદેશની ટીકા કરતા કહ્યું કે જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ કે ફટ્ટે છે એના નામથી શું ખબર પડશે?
અખિલેશ યાદવે પોલીસના આદેશને કહ્યું “સામાજિક અપરાધ” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ આદેશ સામાજિક સૌહાર્દના વાતાવરણ બગાડવા માટે છે. તેણે X પર લખ્યું કે “માનનીય અદાલતે સુઓ મોટો સંજ્ઞાન લઈને અને આવા વહીવટ પાછળના સરકારના ઈરાદાઓની તપાસ કરવી જોઈએ અને યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. આવા આદેશો સામાજિક અપરાધ છે, જે સૌહાર્દના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવા માંગે છે… અને જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ કે ફટ્ટે છે તેના નામ પરથી શું ખબર પડશે?’
આરોપ મુજબ પોલીસનો આ આદેશ મુસ્લિમ દુકાનદારોની ઓળખાણ જાહેર કરવામાં આપવામાં આવ્યો છે. આદેશ મુજબ “કાવડ યાત્રીઓ રસ્તાની બાજુના ખાણીપીણીની દુકાનોમાંથી ખોરાક ખરીદે છે, અને કોઈ પણ પ્રકારની મૂંઝવણને ટાળવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો કરવામાં ન આવે, અને પછીથી કાયદો અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય.”
મુઝફ્ફરનગરના વિધાનસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો) કપિલ દેવ અગ્રવાલે કહ્યું હતું કે, મુસલમાનોને યાત્રાના રૂટમાં ધંધો ચલાવવા સામે કોઈ વાંધો નથી, પરંતુ મુસ્લિમોએ તેમની દુકાનોનું નામ હિન્દુ દેવી-દેવતાઓના નામ પર ન રાખવું જોઈએ.
MLAના આ નિવેદન બાદ યુપી પોલીસે આ આદેશ જાહેર કર્યો હતો. યુપી પોલીસના આદેશથી ભારે વિવાદ સર્જાયો હતો, વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે આ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવા માટે છે.
પોલીસે જણાવ્યું હતું કે આદેશનો હેતુ કોઈ પણ પ્રકારનો ધાર્મિક ભેદભાવ ઉભો કરવાનો નથી પરંતુ માત્ર શ્રદ્ધાળુઓને સુવિધા આપવાનો હતો.
મુઝફ્ફરનગર પોલીસે કહ્યું કે “શ્રવણ કાવડ યાત્રા દરમિયાન, પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રીઓ, હરિદ્વારથી પાણી એકત્રિત કરે છે અને મુઝફ્ફરનગર જિલ્લામાંથી પસાર થાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઘણા લોકો, ખાસ કરીને યાત્રીઓ તેમના આહારમાં અમુક ખાદ્યપદાર્થોનો ત્યાગ કરે છે… ભૂતકાળમાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે યાત્રા માર્ગ પર તમામ પ્રકારની ખાદ્યપદાર્થો વેચતા કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનોને ખોટા પ્રકારે નામ આપ્યું છે. જેને કારણે યાત્રીઓમાં મૂંઝવણ ઊભી થઇ હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઇ હતી.”