આગ્રામાં રાહુલ ગાંધીની યાત્રામાં જોડાશે અખિલેશ યાદવ, જાણો તે શા માટે મહત્વપૂર્ણ છે?
લખનઊઃ સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરી, રવિવારે બપોરે ઉત્તર પ્રદેશના આગ્રામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાશે. ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી અંગે બંને પક્ષો વચ્ચેની મડાગાંઠ ઉકેલાયા બાદ આ વિકાસ થયો છે.
બંને પક્ષ વચ્ચેો થયેલી સમજૂતિ મુજબ સપા 63 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની 17 બેઠકો પરથી લડવા માટે સંમત છે. સીટ વહેંચણીની ફોર્મ્યુલા મુજબ કોંગ્રેસ મથુરા અને ફતેહપુર સીકરી સંસદીય બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે સપા આગ્રા ડિવિઝનમાં આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી અને અલીગઢ ડિવિઝનમાં અલીગઢ, હાથરસ અને એટાહથી ચૂંટણી લડશે. આ તમામ મતવિસ્તારમાંથી ‘ભારત જોડો’ ન્યાય યાત્રા રવિવારે પસાર થશે.
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાવાનો અખિલેશ યાદવનો નિર્ણય લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ માટે એક મજબૂત રાજકીય ચાલ તરીકે આવે છે. બંને પક્ષોનો સહયોગ વિપક્ષોમાં એકતા દર્શાવે છે. સાત વર્ષ પહેલાં આગ્રામાં આવું સમાન દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યારે ગાંધી અને યાદવ બંનેએ 3 ફેબ્રુઆરી, 2017ના રોજ 12 કિમીનો રોડ શો કવર કર્યો હતો.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ રવિવારે અલીગઢના જમાલપુરથી ફરી શરૂ થઈને બપોર સુધીમાં હાથરસના ગાંધી તિરાહા પહોંચશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાજ્યમાં રાહુલ ગાંધીની સાથે છે.
રવિવારે સવારે અલીગઢમાં એક કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “મારી પ્રથમ ભારત જોડો યાત્રા દરમિયાન મેં લોકોને પૂછ્યું હતું કે ભારતમાં નફરત કેમ ફેલાવવામાં આવી રહી છે. વોટ બેંકનું રાજકારણ એનું સાચું કારણ નથી… લોકોએ મને કહ્યું કે કારણ ‘કંઇક બીજુ જ’ છે. સમગ્ર દેશમાં હંમેશા ગરીબો અને ખેડૂતોને ‘અન્યાય’ કરવામાં આવે છે. ખેડૂતો, નાના વેપારીઓ, યુવાનો અને મહિલાઓ માટે પણ ‘અન્યાય’ કરવામાં આવી રહ્યો છે. તેથી જ અમે અમારી બીજી ભારત જોડો યાત્રામાં ‘ન્યાય’ શબ્દ ઉમેર્યો છે.”
આ યાત્રા કુલ 6,713 કિમીનું અંતર કાપશે અને 100 લોકસભા મતવિસ્તારો તથા 337 વિધાનસભા ક્ષેત્રો અને 110 જિલ્લાઓને આવરી લે છે. ઉત્તર પ્રદેશ પછી આ પદયાત્રા મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ જશે અને 67 દિવસના ગાળા પછી 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે.