
લખનઉ: ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશની વિધાનસભામાં રાજ્યસભાની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સૌથી વધુ 10 બેઠકો ઉત્તર પ્રદેશની છે. અહીં સપાના વિધાનસભ્યો અને બસપાના એક વિધાનસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે. આ સિવાય સપાના ચીફ વ્હીપ મનોજ પાંડેએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેને કારણે ઉત્તરપ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે ક્રોસ વોટિંગ કરનારા તમામ વિધાનસભ્યોને સપામાંથી હાંકી કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે બળવો કરનાર તમામ વિધાનસભ્યોને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે. તેઓ પાર્ટીમાંથી વિદાય લઇ લે, તેમને નમસ્કાર.
એક ટીવી ચેનલ સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે આ ભંગાણ વિશે પહેલાથી જ ખબર હતી કારણ કે આ લોકો સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં આવ્યા ન હતા. એક દિવસ આવ્યા અને બીજા દિવસે ડિનર પાર્ટીમાં ન આવ્યા, ત્યારે જ મને સમજાઈ ગયું હતું. આ પછી એવી ચર્ચાઓ થઈ હતી કે કોઈને પ્રધાન પદ મળશે અને કોઈને સુરક્ષા મળશે. કોઈ કોઈ પેકેજની વાત કરી રહ્યું હતું.
તેમના સિવાય એક-બે વધુ વિધાનસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. અખિલેશ યાદવે સપા વિધાનસભ્ય રાકેશ પ્રતાપ સિંહના નિવેદન પર પણ કટાક્ષ કર્યો હતો. રાકેશ પ્રતાપ સિંહે કહ્યું હતું કે “હું અંતરાત્માના અવાજને આધારે મત આપીશ”. આ અંગે અખિલેશ કહ્યું કે તેમણે તેમના અંતરાત્માનો આવાજ સાંભળી એમ પણ જણાવવું જોઈએ કે કેટલું પેકેજ મળ્યું છે.
અખિલેશ યાદવે કહ્યું કે ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે બધું કર્યું. જેઓ ગયા છે તેઓમાં કદાચ સરકાર સામે ઊભા રહેવાની હિંમત નથી. ચોક્કસ પગલાં લેવામાં આવશે, કારણ કે અમારા સહયોગીઓનું માનવું છે કે આવા લોકોને દૂર કરવા જોઈએ.
સમાજવાદી પાર્ટી વિધાનસભ્ય દળના મુખ્ય દંડક પદેથી મનોજ પાંડેના રાજીનામા પર તેમણે કહ્યું કે અત્યાર સુધી તેઓ એક મજબૂત નેતા લાગતા હતા, પરંતુ તેઓ મજબૂત નેતા બની ન શક્યા.