લખનઉ: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મંગળવારે ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં સામેલ થવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ યાત્રા 16મી ફેબ્રુઆરીના રોજ યુપી પહોંચશે અને ઉત્તર પ્રદેશમાં યાત્રાનું પ્રથમ સ્ટોપ ચંદૌલીના સયાદરાજામાં નેશનલ ઈન્ટર કોલેજ હશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર પ્રદેશનાના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવને ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. સમાજવાદી પાર્ટીએ કહ્યું કે અખિલેશ યાદવે આમંત્રણ સ્વીકાર્યું છે અને પુષ્ટિ કરી છે કે તેઓ 16 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે ત્યારે અમેઠી અથવા રાયબરેલીમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાશે.
અગાઉ અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમને યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું નથી, ત્યાર બાદ તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 4 ફેબ્રુઆરીએ પત્રકારો સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, ‘ઘણા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ અમને આમંત્રણ આપવામાં આવતું નથી’. અખિલેશની ટિપ્પણીનો જવાબ આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે પાર્ટી ગઠબંધનના સભ્યોને યાત્રા માટે આવકારવા તૈયાર છે, પરંતુ યુપીમાં તેનો અંતિમ કાર્યક્રમ હજુ નક્કી થયો નથી.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ અગાઉ રવિવારે ઝારખંડના ધનબાદ જિલ્લામાંથી પસાર થઈ હતી. મંગળવારે ઝારખંડથી સુંદરગઢ જિલ્લાના ઔદ્યોગિક શહેર બિરમિત્રપુરમાં પ્રવેશ કરીને યાત્રા ઓડિશા પહોંચી હતી. બુધવારે, રાહુલ ગાંધી યાત્રા ફરી શરૂ કરશે અને રાઉરકેલા શહેરના ઉદિતનગરથી પનપોશ ચક સુધી 3.4 કિલોમીટર લાંબી કૂચ કરશે.
ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરના થોબલથી શરૂ થઈ હતી, જે 67 દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, આ યાત્રા 6700 કિલોમીટરથી વધુનું અંતર કાપશે અને 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે. જેનું સમાપન 20 માર્ચે મુંબઈમાં થશે.
Taboola Feed