CM નીતીશને લઈને અખિલેશે કહી મોટી વાત, ‘ભાવિ વડાપ્રધાનને BJPએ CM સુધી જ સીમિત કરી દીધા…’
પટણા: બિહારમાં સત્તા પરીવર્તનને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો આ પ્રસંગે નિવેદનો આપવાનો કોઈ જ મોકો છોડવા માંગતા નથી. દરેક રાજકીય મોટા માથાઓએ પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી છે. તેવામાં અખિલેશ યાદવ પણ કઈ રીતે પાછળ રહી જાય?
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે નીતીશ કુમાર દેશના ભાવિ વડાપ્રધાન છે પરંતુ ભાજપે તેમને માત્ર મુખ્યમંત્રી પદ સુધી સીમિત કરી દીધા છે.
પોતાની ટ્વિટમાં તે લખે છે કે, “ભાજપની લોકસભાની ચૂંટણી હારી જવાની નિરાશાનું આ પરિણામ છે. તેણે કાવતરું ઘડ્યું અને ભાવિ વડાપ્રધાનને પોતાની સાથે મુખ્યમંત્રી પદ સુધી સીમિત કરી દીધા.”
આ સાથે જ તે વધુમાં લખે છે કે ભાજપે બિહારની જનતાનું અને જનમતનું પણ અપમાન કર્યું છે. જનતા આ અપમાનનો જવાબ લોકસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને હરાવીને આપશે. બિહારની ઈજ્જત બચાવવા અને ભાજપને હરાવવા માટે બિહારનો દરેક રહેવાસી પોતાનો આગામી મત આપશે.
આ અગાઉ તેણે BJPને કમજોર ગણાવી હતી. તેણે લખ્યું હતું કે આટલી કમજોર BJP તેણે ક્યારેય જોઈ ન હતી જેટલી આજે છે. આજે વિશ્વાસઘાતનો રેકોર્ડ તૂટ્યો છે. જનતા આનો જોરદાર જવાબ આપશે. એક વ્યક્તિના રૂપમાં કોઈ તમારા પર વિશ્વાસ ન કરે તેનાથી મોટી બીજી કોઈ હાર ન હોય શકે.
જ્યારે પત્રકારો સાથે વાત કરતાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે જ્યારે પણ બિહારમાં NDAની સરકાર હતી ત્યારે ઝડપી વિકાસ થયો હતો. જો બિહારને અવ્યવસ્થાના માર્ગેથી પાછા લાવવું હોય તો આપણું ગઠબંધન જરૂરી છે.
આવી સ્થિતિમાં નીતીશ કુમારની એનડીએમાં વાપસી બિહાર માટે સુખદ છે. ડબલ એન્જિન સરકારની વધુ સારી અસર થશે. જ્યારે પણ અમારી સાથે ગઠબંધન થાય છે ત્યારે રાજ્યમાં સ્થિરતા હોય છે.