અકાલી દળના વડા વાસણો અને જૂતા સાફ કરતા જોવા મળ્યા, આ ભૂલની મળી સજા

અમૃતસર: ગઈ કાલે સોમવારે અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીર બાદલ(Sukhbir Singh Badal)ને શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા ધાર્મિક સજા સંભળાવવામાં આવી હતી. બાદલની સાથે શિરોમણી અકાલી દળની સરકાર દરમિયાન કેબિનેટ સભ્યોને પણ સજા ફટકારવામાં આવી છે. આ સજા હેઠળ આ તમામ લોકોને સુવર્ણ મંદિર અમૃતસરમાં ‘સેવાદાર’ તરીકે સેવા આપવા અને ગંદા વાસણો અને પગરખાં સાફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુખબીર સિંહ બાદલ અને અન્ય નેતાઓએ આજે સવારથી ધાર્મિક સજા ભોગવવાનું શરૂ કર્યું છે. બાદલ આજે સવારે અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પાસે વ્હીલચેર પર બેઠા જોવા મળ્યા હતા, તેમના ગળામાં પ્લેકાર્ડ પહેરી અને હાથમાં ભાલો જોવા મળ્યો હતો. અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ સુવર્ણ મંદિરમાં વાસણો ધોઈને તેમની સજાની શરૂઆત કરી.
ગળામાં પ્લેકાર્ડ લગાવવામાં આવ્યા:
જથેદાર રઘબીર સિંહે ધાર્મિક સજા સંભળાવી હતી ત્યાર બાદ તરત જ, સુખબીર બાદલ સહિત તમામ દોષિત અકાલી નેતાઓના ગળામાં પ્લેકાર્ડ લગાવવામાં આવ્યા હતાં. આ પ્લૅકાર્ડ્સ પર ગુરબાનીની પંક્તિઓ લખવામાં આવી છે. જેમાં ભગવાનને સંબોધીને કહેવામાં આવ્યું છે કે હે વાહેગુરુ અમે ગુનેગાર છીએ અને તમે ક્ષમાશીલ છો. અમારા જેવો કોઈ પાપી, જેને કોઈ આશ્રય કે આધાર નથી મળતો, તે તમારા રક્ષણમાં આવે તો તે પવિત્ર થઈ જાય છે.
આ સજાની જાહેરાત બાદ શિરોમણી અકાલી દળની કાર્યકારી સમિતિએ પાર્ટી અધ્યક્ષ પદેથી સુખબીર બાદલના રાજીનામાની માંગ કરી હતી.
આ ભૂલ માટે મળી સજા:
સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના વડા સંત ગુરમીત રામ રહીમને માફી આપવી, શ્રી ગુરુ ગ્રંથ સાહિબના આપમાન અને શીખ યુવાનોની હત્યા કરનારા પોલીસ અધિકારીઓને ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવા સહિત કેટલીક સાંપ્રદાયિક ભૂલો માટે આ સજા આપવામાં આવી હતી.
આ સજા ફટકારવામાં આવી:
સજાના ભાગરૂપે, સુખબીર બાદલના પિતા અને પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ પ્રકાશ સિંહ બાદલ પાસેથી ‘ફખર-એ-કૌમ’નું બિરુદ પાછું ખેંચી લેવામાં આવશે.
સુખબીર બાદલ અને સુખદેવ ઢીંડસાને વાસણો અને ચપલ સાફ કરવા અને એક કલાક સુધી ‘કીર્તન’ સાંભળવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જથેદારે અન્ય અકાલી નેતાઓ જેવા કે સુચા સિંહ લાંગા, બલવિંદર સિંહ ભૂંડર, દલજીત સિંહ ચીમા અને ગુલઝાર સિંહને સુવર્ણ મંદિરમાં એક કલાક સુધી બાથરૂમ સાફ કરવા અને પછી ગુરુ કા લંગર સેવામાં વાસણો સાફ કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ આગેવાનોને એક કલાક કિર્તન સાંભળવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
બીબી જાગીર કૌર, પ્રેમ સિંહ ચંદુમાજરા, સુરજીત સિંહ રેખડા, બિક્રમ સિંહ મજીઠિયા, મહેશ ઈન્દર સિંહ ગ્રીનવાલ, ચરણજીત સિંહ અટવાલ અને આદેશ પ્રતાપ સિંહ કૈરોન જેવા અકાલી નેતાઓને પણ સુવર્ણ મંદિરમાં બાથરૂમ સાફ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો…સિગારેટ, તમાકુ, કોલ્ડડ્રિન્ક્સ પર 35% GST લદાશે! GoMનો આ ફેરફારોનો પ્રસ્તાવ રજુ કર્યો
આ આરોપો હેઠળ સજા:
સુખબીર સિંહ બાદલ પર સૌથી મોટો આરોપ ડેરા ચીફ ગુરમીત રામ રહીમ પર હતો.
પંજાબમાં વર્ષ 2007માં અકાલી દળની સરકાર હતી અને મુખ્ય પ્રધાન સુખબીરના પિતા પ્રકાશ સિંહ બાદલ હતા. સુખબીર પણ આ સરકારનો ભાગ હતાં.
સુખબીર બાદલે ગુરમીત રામ રહીમ વિરુદ્ધ સલાબતપુરામાં નોંધાયેલ કેસ પાછો ખેંચી લીધો હતો.
રામ રહીમ પર દશમ પતશાહ શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીની જેમ પોશાક પહેરવાનો અને લોકોને અમૃત પીવડાવવાનો ઢોંગ કરવાનો આરોપ હતો.
આ મામલામાં રામ રહીમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો પરંતુ તેને સજા આપવાને બદલે બાદલ સરકારે કેસ પાછો ખેંચી લીધો હતો.