ટોપ ન્યૂઝનેશનલ

જે Ajmer Sharif Dargah પર પીએમ મોદી દર વર્ષે ચાદર મોકલે છે; ત્યાં મંદિર હોવાના દાવો કોણે કયો?

અજમેર: અયોધ્યામાં બાબરી મસ્જીદ-રામ મંદિર વિવાદે દેશનાં રાજકારણમાં મોટા બદલાવ લાવ્યા હતા, આ વિવાદના નિરાકરણ બાદ અન્ય જગ્યાઓએ પણ નવા વિવાદ ઉભા કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદ, મથુરાની શાહી ઈદગાહી મસ્જીદ, સંભલની જામા મસ્જીદની જગ્યાએ મદિર હોવા દાવાઓ થઇ ચુક્યા છે, એવામાં હાલમાં જ અજમેર શરીફ દરગાહ (Ajmer Sharif Dargah )ના સર્વેની માંગ કરવામાં આવી છે. જેને કારણે ઉભો થયેલો વિવાદ ભવિષ્યમાં વધુ વેગ પકડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : અજમેર શરીફ દરગાહ પર પહેલા શિવ મંદિર હતું? 20 ડિસેમ્બરે સુનાવણી

કોર્ટે સર્વેને મંજૂરી આપી:

અજમેર શરીફ દરગાહના સર્વેની માંગ કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવી છે. હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તા (Hindu Sena chief Vishnu Gupta) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અજમેર શરીફ દરગાહની જગ્યા પર શિવ મંદિર હતું. કોર્ટે આ અરજી સ્વીકારતા લોકોમાં રોષનો માહોલ છે, કેમ કે શરીફ દરગાહનું ધર્મિક, સંકૃતિક અને સામાજિક મહત્વ છે.

સૂફી સંતની સમાધી:

અજમેર શરીફની દરગાહ સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની સમાધિ છે. તેમને ગરીબ નવાઝ પણ કહેવામાં આવે છે. તેમના ઉર્સ પર હજારો લોકો ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર પહોંચે છે. અહીં આવતા વર્ષે જાન્યુઆરીમાં 813મો ઉર્સ ઉજવવામાં આવશે. આહેવાલ મુજબ મુઘલ બાદશાહ અકબર પણ ખ્વાજા અજમેર શરીફની દરગાહ પર આવતા.

વડા પ્રધાન મોદીનું દરગાહ સાથે ખાસ કનેક્શન:

અજમેર શરીફની દરગાહ માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાંથી લોકો આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે દરગાહ પર ચાદર મોકલે છે.

માર્ચ 2016માં વર્લ્ડ સૂફી ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 20 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના શબ્દોમાં કહીએ તો, નિરાધાર અને શોષિત લોકોની મદદ કરવી એ ઈશ્વરને સૌથી વધુ ગમતી ઈબાદત છે.”

વડાપ્રધાને કહ્યું હતું કે સૂફીવાદ શાંતિ, કરુણા અને સમાનતાનો અવાજ છે અને તે ભાઈચારાની વાત કરે છે. સૂફીવાદનો સંદેશ માત્ર આતંકવાદ સામે લડવા પૂરતો સીમિત નથી પરંતુ તેમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’નો વિચાર પણ સામેલ છે.

ભારતમાં ઘણા મોટા રાજનેતાઓ, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય પ્રધાનો, બોલિવૂડ કલાકારો આ દરગાહની મુલાકાત લેતા રહે છે.

આ વૈશ્વિક નેતાઓ પણ ચાદર ચડાવી ચુક્યા છે:

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ દરગાહ પર ચાદર મોકલી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ, જનરલ ઝિયા ઉલ હક, ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ આ દરગાહની મુલાકાત લીધી છે.

સૂફી કોરિડોર પ્રોજેક્ટ:

આ વર્ષે ઓગસ્ટમાં લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ભારતનો સૂફી વારસો સદીઓ જૂની વિવિધતામાં એકતાનો સાક્ષી છે. તેમણે મોદી સરકારના પ્રસ્તાવિત સૂફી કોરિડોર પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું. આ સૂફી કોરિડોર અજમેરથી શરૂ થવાનો છે, તેનો ઉદ્દેશ્ય દેશભરની સૂફી દરગાહ માટે વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે.

હિંદુ સેનાનો દાવો:

હિંદુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો છે કે બ્રિટિશ શાસન દરમિયાન મહત્વના હોદ્દા પર રહેલા હર બિલાસ સારદાએ 1910માં અહીં હિંદુ મંદિર હોવા વિશે લખ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે અજમેરમાં આવેલી આ દરગાહ હિન્દુ અને જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી.

તેમનો દાવો છે કે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, 50 વર્ષ પહેલા સુધી ત્યાં એક પૂજારી પૂજા કરતો હતો અને ત્યાં એક શિવલિંગ પણ હતું. માટે સર્વે કરાવવો જોઈએ જેથી સત્ય બહાર આવી શકે.

આ પણ વાંચો : અજમેર દરગાહને મંદિર જાહેર કરવાની અરજી પર કોર્ટનો મોટો આદેશ

તેમણે કહ્યું કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો જન્મ અહીં થયો નથી અને તેઓ અહીંના નથી. તેમની પહેલા અહીં કોણ હતું? પૃથ્વીરાજ ચૌહાણ અહીં હતા અને આ શહેર અજયમેરુ તરીકે જાણીતું હતું.

તાજેતરમાં, રાજસ્થાનની ભાજપ સરકારે અજમેરની પ્રખ્યાત હોટેલ ખાદિમનું નામ બદલીને અજયમેરુ કરી દીધું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button