એર ઇન્ડિયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારાએ કરી રતન ટાટાની યાદમાં જાહેરાત
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાની યાદમાં ટાટા જૂથની એરલાઇન કંપનીઓ-એર ઇન્ડિયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા ટાટાની યાદમાં ફ્લાઈટ્સ દરમિયાન જાહેરાત કરી રહી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે. રતન ટાટાએ પાયલટની તાલીમ લીધી હતી. ઉડ્ડયન ક્ષેત્ર રતન ટાટાનું માનીતું ક્ષેત્ર હતું.
રતન ટાટાનું બુધવારે રાતે મુંબઇની બીચ કેન્ડી હૉસ્પિટલમાં નિધન થયું હતું. એરલાઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટાટા જૂથની આ ત્રણેય એરલાઇન્સ દિવસભર તેમની યાદમાં ઘોષણાઓ કરશે. માત્ર ટાટા ગ્રૂપની એરલાઇન્સ જ નહીં, ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અકાસા એર એ પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી.
રતન ટાટાનું નિધન એવા સમયે થયું છે જ્યારે ગ્રૂપ તેના એરલાઇન બિઝનેસના એકીકરણને પૂર્ણ કરવાની પ્રક્રિયામાં છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટનું વિલીનીકરણ 1 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયું હતું, જ્યારે વિસ્તારાનું એર ઇન્ડિયા સાથે મર્જર 12 નવેમ્બરના રોજ થવાનું છે.
એર ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને જણાવ્યું હતું કે એર ઇન્ડિયા સાથે સંકળાયેલા લોકો ખાસ કરીને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ટાટાના યોગદાન માટે આભારી છે.
આ પણ વાંચો : રતન ટાટાની સાદગી તો એવી કે પુણેની સોસાયટીમાં આવ્યા તો કોઈને ખબર પણ ન પડી
એર ઇન્ડિયા એક્સપ્રેસના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંઘે કર્મચારીઓને તેમના સંદેશમાં જણાવ્યું હતું કે ટાટાનો જુસ્સો અને ઉડ્ડયન ક્ષેત્રે તેમનું યોગદાન આગળની સફરમાં હંમેશા પ્રેરણા આપતું રહેશે.
એર ઈન્ડિયા એક્સપ્રેસે સ્વર્ગસ્થ રતન ટાટાના સન્માનમાં તેની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ડાર્ક બેકગ્રાઉન્ડ પર સફેદ લીલીની થીમ અપનાવી હતી.
રતન ટાટાના માનમાં યુરોપિયન એરક્રાફ્ટ નિર્માતા એરબસે ગુરુવારે દિલ્હીમાં તેના નવા ભારત અને દક્ષિણ એશિયાના મુખ્યાલય અને તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન મોકૂફ રાખ્યું હતું.