નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન કહે છે કે 2030 સુધીમાં દર વર્ષે 30 કરોડથી વધુ લોકો હવાઈ મુસાફરી કરશે
વર્ષ 2030 સુધીમાં દેશમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા વાર્ષિક 30 કરોડ સુધી પહોંચી શકે છે, એમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામમોહન નાયડુએ સોમવારે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે દેશમાં 2023માં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 15.3 કરોડ થઇ હતી, જે 2030 સુધીમાં વધીને વાર્ષિક 30 કરોડ થઈ જશે. તાજેતરના વર્ષોમાં સ્થાનિક મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય પ્રધાને એમ પણ કહ્યું હતું કે સરકાર એરપોર્ટના વિકાસ પર લગભગ 11 બિલિયન ડોલરનો ખર્ચ કરી રહી છે.
ફ્રેન્ચ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અથવા GIFAS દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ મજબૂત વૈશ્વિક SAF (સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ) સપ્લાય ચેઈન વિકસાવવા માટે સાથે મળીને કામ કરી શકે છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે ભાગીદારીની શક્યતાઓ વિશે વાત કરતા કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. દેશમાં પ્રવાસીઓની વધતી જતી માગને પહોંચી વળવા માટે દરેક એરલાઇન્સ તેમના વિમાની કાફલા અને સિસ્ટમનું વિસ્તરણ કરી રહી છે. ભારતમાં હાલમાં 157 એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટરડ્રોમ છે. 2025ના અંત સુધીમાં ઓપરેશનલ એરપોર્ટની સંખ્યા 200 સુધી પહોંચી જશે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે સરકાર 2047 સુધીમાં ભારતના એરપોર્ટની સંખ્યા વધારીને 350 કરી શકે છે અને સરકાર પણ ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને વધુને વધુ સ્થળોને વિમાન માર્ગે જોડવાનું કામ કરી રહી છે.