નેશનલ

Air Indiaએ 30 નવેમ્બર સુધી તેલ અવીવની ફ્લાઇટ્સ સ્થગિત કરી

ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એરલાઈન એર ઈન્ડિયાએ ભારતથી તેલ અવીવની તેની નિર્ધારિત ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. કંપનીએ 7 ઑક્ટોબરથી તેલ અવીવ, ઇઝરાયલથી અથવા ત્યાંથી ફ્લાઇટ્સનું સંચાલન કર્યું નથી અને હવે તેણે નવેમ્બર મહિનાના અંત સુધી તેલ અવીવની કોઇ ફ્લાઇટનું સંચાલન નહીં કરવાનો નિર્ણય લીધો છે.

એરલાઇન કંપનીના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે તેલ અવીવની ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. એર ઈન્ડિયા સામાન્ય રીતે દિલ્હીથી તેલ અવીવ માટે અઠવાડિયામાં પાંચ ફ્લાઈટ ચલાવે છે. આ ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે હોય છે. ગયા મહિને એર ઈન્ડિયાએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે વધતા જતા સંઘર્ષને પગલે ત્યાંથી ભારતીયોને પરત લાવવા સરકારના ‘ઓપરેશન અજય’ના ભાગરૂપે દિલ્હીથી તેલ અવીવ સુધી કેટલીક ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું.


દરમિયાન મળતી માહિતી મુજબ ગાઝા પટ્ટીમાં સ્થિત શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલની સેનાના હુમલામાં 40 લોકોના મોત થયા છે. આ હુમલો શનિવાર-રવિવારની રાત્રે થયો હતો જ્યારે કેમ્પમાં મોટાભાગના શરણાર્થીઓ સૂઈ રહ્યા હતા. અન્ય હુમલામાં ગાઝામાં એક જ પરિવારના 21 લોકો માર્યા ગયા હતા.


માર્યા ગયેલાઓમાં ઘણી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. સંવેદનશીલ સ્થળો પર ઈઝરાયલની સેનાના હુમલાથી પરેશાન આરબ દેશોએ ફરી એકવાર ગાઝામાં યુદ્ધવિરામની માંગ કરી છે, પરંતુ, ઈઝરાયલ અને અમેરિકાએ આ માંગને ફગાવી દીધી છે.

દરમિયાન, ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝા પર પરમાણુ હુમલાનો વિકલ્પ ખુલ્લો હોવાનું કહેનારા તેમના એક મંત્રીને કેબિનેટમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button