લંડનથી બેંગલુરુની ફ્લાઇટમાં આવેલી ખામી બાદ એર ઇન્ડિયાએ 33 ડ્રીમલાઇનર વિમાનોની તપાસ શરૂ કરી…

ફોનવી દિલ્હી: લંડન-હીથ્રોથી બેંગલુરુ આવી રહેલી એર ઇન્ડિયાની બોઇંગ 787 ‘ડ્રીમલાઇનર’ ફ્લાઇટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ગંભીર ખામી સર્જાતા ચિંતા પ્રસરી છે. ઉડાન ભરતા પહેલા પાઇલટોએ જોયું કે સ્વીચ વારંવાર આપમેળે ‘કટ-ઓફ’ મોડમાં આવી જતી હતી. આ ઘટના બાદ એર ઇન્ડિયાએ સાવચેતીના પગલે પોતાના તમામ 33 ડ્રીમલાઇનર વિમાનોની તપાસ શરૂ કરી છે અને આ અંગે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) ને પણ જાણ કરવામાં આવી છે.
આ ઘટનાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે પાઇલટોએ સ્વીચને બે વાર ‘રન’ મોડમાં સેટ કરી હોવા છતાં તે આપમેળે બંધ થઈ જતી હતી, જે આખરે ત્રીજા પ્રયાસમાં લોક થઈ હતી. જો ઉડાન દરમિયાન એન્જિનમાં બળતણનો પુરવઠો બંધ થઈ જાય, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ વિમાનમાં 200 મુસાફરો સવાર હતા. એર ઇન્ડિયાએ તમામ પાઇલટોને સાવધ રહેવા અને બોઇંગ કંપનીને આ ટેકનિકલ સમસ્યાને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવા જણાવ્યું હતું.
આ પણ વાચો : સબ સલામતઃ એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કરી…
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સે આ મામલે DGCA અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) પાસે તાત્કાલિક તપાસની માંગ કરી હતી. તેણે ધ્યાન દોર્યું છે કે આ પ્રકારની ખામી અગાઉ 2019માં ઓસાકા અને જૂન 2025માં અમદાવાદ અકસ્માત દરમિયાન પણ જોવા મળી હતી. આ સતત ત્રીજી ઘટના હોવાથી બોઇંગ 787 વિમાનોમાં ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ ખામી હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી હતી.
ઉલ્લેખનીય છે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 260 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં પણ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની ગરબડ મુખ્ય કારણ હોવાનું મનાય છે. ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ એ કોકપિટમાં એન્જિનના બળતણને નિયંત્રિત કરતું મહત્વનું સાધન છે.



