New Year Gift: એર ઈન્ડિયાના પ્રવાસીઓને ફ્લાઈટમાં મળશે ‘આ’ સુવિધા…
નવી દિલ્હીઃ નવા વર્ષે એર ઈન્ડિયાએ પોતાના મુસાફરોને મોટી ભેટ આપી છે. એર ઈન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટ શરૂ કરનાર પ્રથમ ભારતીય એરલાઈન બની છે. એર ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એરબસ A350, બોઈંગ 787-9 અને એરબસ A321નિયો એરક્રાફ્ટમાં સવાર મુસાફરો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે અને સોશિયલ મીડિયા જોઈ શકશે, ૧૦,૦૦૦ ફૂટ ઉપર ઉડતી વખતે કામ કરી શકશે અથવા પ્રિયજનોને મેસેજ કરી શકશે.
આ પણ વાંચો : સિંગાપોર એરલાઇન્સે Air Indiaમાં કર્યું 3,194.5 કરોડનું રોકાણ
એર ઈન્ડિયાના ન્યૂ યોર્ક, લંડન, પેરિસ અને સિંગાપોરના ઈન્ટરનેશનલ રૂટ પર આ સુવિધા પહેલાથી જ આપવામાં આવી રહી છે. હવે તેને પાયલટ પ્રોજેક્ટ પ્રોગ્રામ હેઠળ સ્થાનિક રૂટ પર પણ શરૂ કરવામાં આવી છે. એર ઈન્ડિયા તબક્કાવાર તેના કાફલાના અન્ય એરક્રાફ્ટ પર આ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આઈઓએસ અથવા એન્ડ્રોઈડ ઓએસવાળા લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોન પર વાઈ-ફાઈ સર્વિસ ફ્રીમાં ઉપલબ્ધ થશે.
એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે કનેક્ટિવિટી હવે આધુનિક મુસાફરીનો અભિન્ન ભાગ બની ગઈ છે. અમને વિશ્વાસ છે કે અમારા મુસાફરોને આ સગવડ પસંદ આવશે અને એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં બેસીને નવા અનુભવનો આનંદ માણશે.
આ પણ વાંચો : Air India એ મુસાફરો માટે આ નવી સુવિધા શરૂ કરી, મુસાફરી બનશે સરળ
એર ઈન્ડિયામાં કઈ રીતે વાઈ-ફાઈનો લાભ લઈ શકશે
- તમારા ઉપકરણ પર Wi-Fi ઓન કરો અને Wi-Fi સેટિંગ્સ પર જાઓ.
- Air India Wi-Fi નેટવર્ક પર ક્લિક કરો.
- એકવાર તમે તમારા બ્રાઉઝરથી એર ઈન્ડિયા પોર્ટલ પર પહોંચી ગયા પછી, તમારું પીએનઆર અને છેલ્લું નામ દાખલ કરો.
- મફત ઇન્ટરનેટનો આનંદ લો.