એર ઈન્ડિયાની ટોક્યોથી દિલ્હી આવી રહેલી ફલાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરો સુરક્ષિત | મુંબઈ સમાચાર

એર ઈન્ડિયાની ટોક્યોથી દિલ્હી આવી રહેલી ફલાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરો સુરક્ષિત

નવી દિલ્હી: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે રવિવારે મોડી રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હીને બદલે કોલકાતા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિમાન ટોક્યોના હનેડા એરપોર્ટથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન કેબિનમાં વધતી હીટના કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટને કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે. એરલાઇનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે દિલ્હી લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કેબિનમાં વધતી હીટના કારણે ડાયવર્ટ

એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, 29 જૂને હનેડાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI357 ને કેબિનમાં સતત વધતા તાપમાનને કારણે સાવચેતી રૂપે કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાએ કહ્યું કે વિમાનની હજુ પણ તપાસ ચાલી રહી છે. તેણે કહ્યું કે કોલકાતામાં તેની ગ્રાઉન્ડ ટીમો આ અચાનક ડાયવર્ઝનના કારણે થતી અસુવિધાને ઓછી કરવા માટે મુસાફરોને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે.

અન્ય ફ્લાઇટ મુંબઈ પરત ફરી

જ્યારે બીજા કિસ્સામાં ફ્લાઇટના કેબિનમાં કશુંક સળગવાની ગંધ આવી હતી જેના પગલે મુંબઈથી ચેન્નાઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને પરત ફરવું પડ્યું. આ ઘટના 27 જૂનના રોજ ફ્લાઇટ AI639 માં બની હતી. આ વિમાન સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતર્યું હતું અને મુસાફરોને બીજા વિમાનમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રવક્તાએ જણાવ્યું હતું. શુક્રવાર, 27 જૂન, 2025 ના રોજ મુંબઈથી ચેન્નાઈ જઈ રહેલા AI639 ના ફ્લાઇટ ક્રૂએ કેબિનમાં કશુંક સળગવાની ગંધને કારણે સાવચેતીપૂર્વક પરત ફરવાનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો…અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની મુશ્કેલી વધી, ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે સંભાળી કમાન…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button