Air India એ કેન્દ્રીય પ્રધાનને પણ આપી દીધી તૂટેલી સિટ, સામાન્ય જનતાએ તો શું અપેક્ષા રાખવાની?

નવી દિલ્હી : એર ઈન્ડિયાની(Air India)સેવા પર સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એર ઈન્ડિયાની સેવા પર નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એર ઈન્ડિયાની ફ્લાઇટ દ્વારા ભોપાલથી નવી દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને એક તૂટેલી સિટ આપવામાં આવી હતી. શિવરાજ સિંહ ચૌહાણે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને એરલાઇન કંપનીની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે આ મુસાફરો સાથે છેતરપિંડી છે. જોકે, એર ઇન્ડિયાએ તરત જ માફી માંગી અને કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
સીટ તૂટેલી હતી અને અંદર દબાયેલી હતી
આ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે મારે ભોપાલથી દિલ્હી આવવાનું હતું. મેં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI436 પર ટિકિટ બુક કરાવી હતી અને મને સિટ નંબર 8C ફાળવવામાં આવી હતી. હું જઈને સિટ પર બેઠો, સિટ તૂટેલી હતી અને અંદર દબાયેલી હતી. તેમા બેસવામાં ખૂબ દુખાવો થતો હતો.
મેનેજમેન્ટને પહેલાથી જ જાણ કરવામાં આવી હતી
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે જ્યારે મેં એરલાઇન સ્ટાફને પૂછ્યું કે જો સિટ ખરાબ હતી તો તેમને કેમ ફાળવવામાં આવી? તેમણે કહ્યું કે મેનેજમેન્ટને પહેલાથી જ જાણ કરવામાં આવી હતી કે આ સિટ ખરાબ છે અને તેની ટિકિટ ન વેચવી જોઈએ. આવી એક સિટ નથી પણ ઘણી બધી છે. મારા સહ-મુસાફરોએ મને મારી સિટ બદલીને સારી સીટ પર બેસવાનો આગ્રહ કર્યો પણ મેં નક્કી કર્યું કે હું આ સિટ પર બેસીને જ મુસાફરી પૂર્ણ કરીશ.
Also read: Air India: DGCAએ એર ઈન્ડિયાને ₹1.10 કરોડનો દંડ ફટકાર્યો, કરી હતી ગંભીર ભૂલ
ખરાબ સીટ પર બેસાડવા અનૈતિક
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મને એવું લાગતું હતું કે ટાટાએ એર ઈન્ડિયાનો કબજો સંભાળ્યા પછી તેની સેવામાં સુધારો થયો હશે, પરંતુ તે મારી માન્યતા ખોટી સાબિત થઈ. મને બેસવાની અસુવિધાનો વાંધો નથી પણ મુસાફરો પાસેથી પૂરી રકમ વસૂલ્યા પછી ખરાબ સિટ પર બેસાડવા અનૈતિક છે.તેમણે પ્રશ્ન કર્યો, શું આ મુસાફરો સાથે છેતરપિંડી નથી? શું એર ઇન્ડિયા મેનેજમેન્ટ ભવિષ્યમાં કોઈ પણ મુસાફરને આવી અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે પગલાં લેશે કે પછી મુસાફરોની મજબૂરીનો લાભ લેવાનું ચાલુ રાખશે.