એર ઇન્ડિયામાં સાડીવાળી એરહોસ્ટેસ નહિ જોવા મળે
નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી હતી. ભારતમાં ઘણી સેલિબ્રિટી બ્રાઇડ્સ પાછળ કોટ્યુરિયર તરીકે કામ કરનાર આ જાણીતા ડિઝાઈનર કેબિન ક્રૂ, કોકપિટ ક્રૂ, ગ્રાઉન્ડ અને સિક્યુરિટી સ્ટાફ સહિત ફ્રન્ટલાઈન પર એર ઈન્ડિયાના 10,000 કર્મચારીઓ માટે નવા યુનિફોર્મ્સ ડિઝાઇન કરશે. તેથી હવે ટૂંક સમયમાં જ એર ઇન્ડિયાના કર્મચારીઓ નવા યુનિફોર્મમાં જોવા મળશે અને સાડીવાળી એરહોસ્ટેસ જે એર ઇન્ડિયાની ઓળખ બની ગઈ હતી તે પણ હવે જોવા નહીં મળે. જોકે આ યુનિફોર્મના કલર શું હશે કે ડ્રેસ કેવા હશે તે વિશે કોઈ સ્પષ્ટતા હાલમાં નથી કરવામાં આવી પરંતુ એટલું જાણવા મળ્યું છે કે તે સમયને અનુરૂપ અને મોર્ડન હશે.
આ હિલચાલ એર ઈન્ડિયાના ચાલુ આધુનિકીકરણ કાર્યક્રમમાં નવી વૈશ્વિક બ્રાન્ડ ઓળખના ભાગરૂપે કરવામાં આવી છે. એર ઈન્ડિયા 2023ના અંત સુધીમાં તેના યુનિફોર્મવાળા કર્મચારીઓ માટે નવા સ્ટાઇલિશ, મોર્ડન દેખાવની અપેક્ષા રાખે છે.