નેશનલ

વક્ફ સુધારા બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશવ્યાપી આંદોલનની કરી જાહેરાત

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રવિવારે પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. એઆઇએમપીએલબીના કાર્યાલય સચિવ મોહમ્મદ વકાર ઉદ્દીન લતીફી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’17 માર્ચે દિલ્હીમાં થયેલા વિશાળ અને સફળ વિરોધ પ્રદર્શન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે.

એઆઇએમપીએલબીના પ્રવક્તા અને વક્ફ બિલ વિરુદ્ધ એક્શન કમિટીના કન્વીનર એસક્યૂઆર ઇલિયાસે બોર્ડ તરફથી તમામ મુસ્લિમ સંગઠનો, નાગરિક સમાજ જૂથો અને દલિત, આદિવાસી, ઓબીસી અને અન્ય લઘુમતી સમુદાયોના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે , આ જૂથોના સંયુક્ત સમર્થન વિના દિલ્હી પ્રદર્શનની સફળતા શક્ય થઇ ના હોત. તેમણે વિરોધ પક્ષો અને સાંસદોનો પણ આભાર માન્યો જેમણે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તે સિવાય તેઓએ પ્રસ્તાવિત કાયદાને જોરદાર રીતે નકારી કાઢ્યો હતો.

આ પણ વાંચો: વક્ફ સુધારા બિલના જેપીસી અહેવાલ પર સંસદમાં ભારે હંગામો, ખડગેએ અહેવાલને ખોટો ગણાવ્યો

એઆઇએમપીએલબીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એઆઇએમપીએલબીની 31 સભ્યોની કાર્ય સમિતિએ વિવાદાસ્પદ, ભેદભાવપૂર્ણ અને નુકસાનકારક બિલનો વિરોધ કરવા માટે તમામ બંધારણીય, કાનૂની અને લોકશાહી માર્ગો અપનાવવાનો સંકલ્પ કર્યો છે. આંદોલનના પ્રથમ તબક્કાના ભાગ રૂપે 26 માર્ચે પટણામાં રાજ્ય વિધાનસભાઓ સામે અને 29 માર્ચે વિજયવાડામાં વિશાળ વિરોધ પ્રદર્શનોની યોજના બનાવવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે એઆઇએમપીએલબીના વરિષ્ઠ નેતૃત્વ તેમજ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ધાર્મિક અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ આ પ્રદર્શનોમાં ભાગ લેશે. ‘નાગરિક સમાજના નેતાઓ, અન્ય લઘુમતી સમુદાયોના અગ્રણી વ્યક્તિઓ અને દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગના અગ્રણી લોકોએ પણ તેમની ભાગીદારીની પુષ્ટી કરી છે.’

આ પણ વાંચો: ભાજપ સરકાર વક્ફ એક્ટમાં સુધારા માટે ગંભીર છે?

‘ચાલુ સંસદ સત્રમાં ભાગ લેવા માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા સાંસદોને વ્હીપ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં સંયુક્ત સંસદીય સમિતિના વિપક્ષી સભ્યોને પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.’

નિવેદન અનુસાર, ‘પટનામાં બિહારના મુખ્યપ્રધાન સહિત જેડી(યુ), આરજેડી, કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટીના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે આંધ્રપ્રદેશમાં શાસક તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆર કોંગ્રેસ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ઇલિયાસે કહ્યું કે આ વિરોધ પ્રદર્શનોનો હેતુ ભાજપના ગઠબંધન ભાગીદારોને સ્પષ્ટ સંદેશ આપવાનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button