નવી દિલ્હીઃ દિલ્હી AIIMSમાં આજે સવારે એઈમ્સના ડાયરેક્ટરની ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ખળભળાટ મચી ગયો છે. AIIMSના ડાયરેક્ટરની ઓફિસમાં લાગેલી આગની જાણકારી તરત જ ફાયર વિભાગને આપવામાં આવી હતી, ત્યારબાદ 7 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ બુઝાવવા માટે આવેલી ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત થઇ ગઇ હતી. આગ લાગતા દર્દીઓએ ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું. એટેન્ડન્ટ્સ અને હેલ્થ વર્કરો પણ બૂમો પાડવા લાગ્યા હતા. લોકોનો અવાજ સાંભળીને વહેલી સવારમાં બિલ્ડીંગની નીચે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.
ફાયર વિભાગે આપેલી માહિતી અનુસાર, તેમને આજે સવારે લગભગ 5.58 વાગ્યે એઈમ્સ હોસ્પિટલમાંથી આગની માહિતી મળી હતી. જે બાદ ફાયર બ્રિગેડની 7 ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ આગ એક ઓફિસમાં લાગી હતી. ડિરેક્ટર બિલ્ડિંગના બીજા માળે ઓફિસના રેકોર્ડ, ફર્નિચર અને રેફ્રિજરેટરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
ફાયર વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર કેટલાક સામાનને નુકસાન થયું છે.