અમદાવાદ પોલીસ – ડીઆરઆઈ પુણેનું સંયુક્ત ઓપરેશન ઔરંગાબાદમાંથી ₹ ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ પોલીસ અને ડીઆરઆઇના સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સ અને રો મટિરીયલ મળીને કુલ ૫૦૦ કરોડ રૂપિયાનું માદક દ્રવ્ય ઝડપી પાડવામાં સફળતા મળી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પુણે સ્થિત ડીઆરઆઇએ આ સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલા અમુક ઘર તથા ૨ ફેક્ટરીઓમાંથી કોકેઇન, મેફેડ્રોન અને કેટામાઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમ ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે આ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેવું જણાવતા ડીસીપીએ ઉમેર્યું હતું કે, આ કેસમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ડીઆરઆઈ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે.કોકેઇન એ શરીરની નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરતી શક્તિશાળી દવા છે જ્યારે એમડી અને કેટામાઇન પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે આ
તમામ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. ક્રાઇમ બ્રાન્ચ ઔરંગાબાદ પણ આ ઓપરેશનમાં પાછળથી જોડાઇ હતી. કાર્યવાહીમાં એક આરોપીના રહેણાક જગ્યાની તપાસના પરિણામે આશરે ૨૩ કિલો કોકેન, લગભગ ૨.૯ કિલો મેફેડ્રોન અને આશરે રૂ. ૩૦ લાખનું ભારતીય ચલણ મળી આવ્યું હતું.
અધિકારીઓએ પૈઠણ એમઆઇડીસીમાં મેફેડ્રોન અને કેટામાઇનના ઉત્પાદન સાથે સંકળાયેલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા જેમાં કુલ ૪.૫ કિગ્રા મેફેડ્રોન, ૪.૩ કિગ્રા કેટામાઈન અને અન્ય ૯.૩ કિગ્રા વજનનું મેફેડ્રોનનું મિશ્રણ મળી આવ્યું હતું.
મુખ્ય ષડયંત્રકારી સહિત બે વ્યક્તિઓની એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ છે.