અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં કોઇ ગડબડ નહિ, ઉડ્ડયન મંત્રીની સ્પષ્ટતા

નવી દિલ્હી : અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં ગડબડના આક્ષેપો વચ્ચે ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે આ પ્લેન ક્રેશ તપાસમાં કોઈ ગેરરીતિ થઈ નથી અને તે નિષ્પક્ષ અને નિયમો અનુસાર હાથ ધરવામાં આવી રહી છે. તેમણે તેનું સાચું કારણ જાણવા માટે અંતિમ તપાસ અહેવાલની રાહ જોવા વિનંતી કરી હતી.
અંતિમ અહેવાલની રાહ જોવી પડશે
આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. મંત્રીનું આ નિવેદન એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના તપાસ અંગેના કેટલાક પ્રશ્નો વચ્ચે આવ્યું છે. નાયડુએ કહ્યું કે ખરેખર શું થયું તે જાણવા માટે અંતિમ અહેવાલની રાહ જોવી પડશે.
આપણ વાંચો: એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટના બાદ આ ફિલ્મ મેકર લાપતા! માત્ર 700 મીટર દૂર હતું છેલ્લું લોકેશન…
પારદર્શક અને સ્વતંત્ર રીતે આની તપાસ ચાલુ
તેમણે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “અંતિમ અહેવાલ આવવામાં થોડો સમય લાગશે. AAIB ખૂબ જ પારદર્શક અને સ્વતંત્ર રીતે આની તપાસ કરી રહ્યું છે. અમે તેમના પર અહેવાલ ઉતાવળમાં આપવા માટે કોઈ દબાણ લાવવા માંગતા નથી. તેથી તેઓ આ અહેવાલ પૂર્ણ કરવા માટે જરૂરી તેટલો સમય લેશે.
એક મુસાફરનો આબાદ બચાવ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 12 જૂનના એર ઈન્ડિયાની લંડન જઇ રહેલું પ્લેન ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-7 પ્લેન ટેકઓફ થયાના થોડીક સેકન્ડ પછી જ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 241 મુસાફરો સહિત 260 લોકોના મોત થયા હતા. તેને ભારતની સૌથી ખરાબ હવાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. જેમાં એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો.