ભારતે હંમેશા બ્રહ્માંડની સમજ અંગે વૈશ્વિક સ્તરે યોગદાન આપ્યું છેઃ પૂર્વ ઈસરો ચીફ સોમનાથ

અમદાવાદઃ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (Indian Institute of Management) અમદાવાદ ખાતે યોજાયેલા 60મા કોન્વેકેશનમાં ઉપસ્થિત રહેલા ઈસરોના પૂર્વ ચીફ એસ. સોમનાથ (Former ISRO Chief S. Somnath)એ કહ્યું હતું કે, ભારત વેદોના સમયથી લઈને આધુનિક વૈજ્ઞાનિક પ્રગતિ સુધી બ્રહ્માંડની વૈશ્વિક સમજમાં યોગદાન આપનારો મહાન દેશ છે. તેમણે કોન્વોકેશનમાં સંબોધનમાં રિસર્ચ ઓર્ગેનાઈઝેશનો, શિક્ષણ જગત અને ઉદ્યોગ વચ્ચે સંબંધની આવશ્યકતા પર ભાર મુકતા કહ્યું હતું કે હજી આ એક દૂરનું સપનું છે.
આ પણ વાંચો: ઈસરોની વધુ એક યશકલગી: યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ
પ્રાચિન ગ્રંથ મહાસલિલા, આદિમ સૂપ પર સંસ્કૃતમાં એક પુસ્તકઃ ઈસરોના પૂર્વ ચીફ
આ પ્રસંગે ઈસરો (ISRO)ના પૂર્વ ચીફ એસ. સોમનાથે કહ્યું હતું કે, હું ભારતની સમૃદ્ધિ અને ગૌરવશાળી જ્ઞાન પરંપરા પર પ્રકાશ પાડવા માંગુ છું. જેને હવે પ્રકાશમાં લાવવામાં આવ્યું છે. વેદોથી લઈને આધુનિક વૈજ્ઞાનિક પ્રગતિ સુધી ભારત હંમેશા બ્રહ્માંડની વૈશ્વિક સમજમાં યોગદાન આપનારો એક મહાન દેશ છે. વિજ્ઞાન અને માનવ જ્ઞાનના અન્ય રૂપોએ આ ક્ષેત્રમાં મોટી પ્રગતિ કરી છે. કારણ કે, આ વિશ્વનો પ્રથમ જ્ઞાન સ્ત્રોત છે. જણે ખગોળ વિજ્ઞાન, ભૂગોળ, ગણિત અને દર્શનમાં વૈજ્ઞાનિક અંતર્દષ્ટિ પ્રદાન કરી છે. પ્રાચિન ગ્રંથ મહાસલિલા, આદિમ સૂપ પર સંસ્કૃતમાં એક પુસ્તક છે. જેમાં બ્રહ્માંડના નિર્માણના વૈજ્ઞાનિક પાસાઓ વિશે સરસ માહિતી છે.
ઈસરોમાં સમાજની સમસ્યાઓનું સમાધાન શોધવાની વાતો થાય છે
તેમણે વધુમાં કહ્યું હતું કે, સૂર્ય સિદ્ધાંત સાથે હું જોડાયેલો છું. જેમાં ગ્રહોની ગતિ અને કક્ષા સહિતનું વર્ણન છે. તેમાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહોનું પણ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં કરવામાં આવેલી ગણનાઓ આજના ધોરણો પ્રમાણે ખૂબ જ સટીક છે. એ સમયનું જ્ઞાન એ સમયના આધુનિક વિજ્ઞાનની તુલનામાં વધુ ઉન્નત હતું. ઈસરોમાં હંમેશા લોકો અને સમાજની સમસ્યાઓનું સમાધાન શોધવાની વાતો થાય છે. વિક્રમ સારાભાઈના સમયમાં સમાજનું સમર્થન કરવું, કૃષિ, જળસંસાધન, રાષ્ટ્ર નિર્માણની સમસ્યાઓનું સમાધાન શોધવાનું ખૂબજ મહત્વપૂર્ણ બની ગયું હતું. આજે પણ આપણે સમાન કાર્ય કરી રહ્યાં છીએ.
વિદ્યાર્થીઓએ આ વિશેષ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએઃ પૂર્વ ચીફ એસ. સોમનાથ
પૂર્વ ચીફ એસ. સોમનાથે વધુમાં કહ્યું કે, આ સંસ્થાનમાંથી સ્નાતક કરનારા વિદ્યાર્થીઓએ આ વિશેષ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે રિસર્ચ ઓર્ગેનાઈઝર્સ, ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેનો સંબંધ દેશ માટે મહત્વનો છે. ભવિષ્યમાં ભારતને એક શક્તિશાળી દેશ બનવા માટે આ સંબંધને મજબૂત કરવો પડશે. તમે એકલા આગળ વધી શકો છો પણ અન્યના સહકારથી વધારે આગળ વધી શકશો. તેમણે રિસ્ક ઉઠાવવા માટે પણ વિદ્યાર્થીઓને સલાહ આપીને તક માટે તૈયાર રહેવા જણાવ્યું હતું’