ટોપ ન્યૂઝનેશનલ

ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રિલ પહેલાં ગૃહ મંત્રાલયે બોલાવી મહત્ત્વની બેઠક…

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને 7 મેના રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનો આદેશ કર્યો છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. મોક ડ્રિલ પહેલા ગૃહ સચિવે આજે સવારે 10.45 કલાકે એક બેઠક બોલાવી છે.

દેશના 244 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશભરના મુખ્ય સચિવો અને નાગરિક સંરક્ષણના વડાઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં ભાગ લેશે. નોંધનીય છે કે આવી મોક ડ્રીલ છેલ્લે 1971માં યોજાઈ હતી. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.

244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે
મોક ડ્રિલમાં વાયુસેના સાથે હોટલાઇન અને રેડિયો-કોમ્યુનિકેશન લિંક્સનું સંચાલન, કંટ્રોલ રૂમ અને શેડો કંટ્રોલ રૂમની કાર્યક્ષમતાનું પરીક્ષણ પણ સામેલ છે. ફાયર સર્વિસીસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સ ડિરેક્ટોરેટ જનરલ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિમાં નવા અને જટિલ જોખમો/પડકારો ઉભરી આવ્યા છે, તેથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હંમેશા શ્રેષ્ઠ નાગરિક સંરક્ષણ તૈયારીઓ જાળવી રાખવી જોઈએ તે સમજદારીભર્યું રહેશે.

54 વર્ષ બાદ આવી મોક ડ્રિલ
અહેવાલ મુજબ અગાઉ આ પ્રકારની ડ્રિલ વર્ષ 1971માં જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરવામાં આવી હતી. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્દેશો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

પંજાબમાં યોજાઈ મોક ડ્રિલ
સીમા પર તણાવને ધ્યાનમાં રાખીને, પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટ બોર્ડે રવિવારે 30 મિનિટની બ્લેકઆઉટ ડ્રિલ હાથ ધરી હતી. કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રાત્રે 9 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી બ્લેકઆઉટ કવાયત હાથ ધરવામાં આવી હતી.

આપણ વાંચો : પીએમ મોદીનો બેઠકોનો દોર યથાવત્ઃ રાહુલ ગાંધી અને સીજીઆઈ સાથે કરી મહત્ત્વની બેઠક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button