સુપ્રીમ કોર્ટમાંથી ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને મળ્યા જામીન

નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આજે 3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં છ વર્ષ સુધી કસ્ટડીમાં રહેલા કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને જામીન આપ્યા છે. સીબીઆઈ અને ઇડી 3,600 કરોડ રૂપિયાના 12 VVIP હેલિકોપ્ટરના સોદામાં તેમની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.
શરતોને આધીન જામીન કરાયા છે મંજૂર
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ છેલ્લા છ વર્ષથી કસ્ટડીમાં છે જ્યારે કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેમ્સને ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતોને આધીન જામીન પર મુક્ત કરવામાં આવશે. આ કથિત કૌભાંડ હેલિકોપ્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી 12 VVIP હેલિકોપ્ટરના સોદા સાથે સંબંધિત છે.
2018માં તેને દુબઈથી પ્રત્યર્પણ
ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના સંદર્ભમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બે અલગ અલગ કેસ નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે 3600 કરોડ રૂપિયાનું આ કથિત કૌભાંડ ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી 12 VVIP હેલિકોપ્ટરના સોદા સાથે સંબંધિત છે. ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ બ્રિટનના રહેવાસી છે. ડિસેમ્બર 2018માં તેને દુબઈથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.
શું છે આ કૌભાંડ?
વર્ષ 2010માં ભારતીય વાયુસેના માટે 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવા માટે બ્રિટિશ ઈટાલિયન કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ અને ભારત સરકાર વચ્ચે સોદો થયો હતો. વર્ષ 2014ના જાન્યુઆરીમાં ભારત સરકારે 3600 કરોડનો આ કરાર રદ કરી દીધો હતો, કારણકે તેમાં આરોપ મુકાયો હતો કે અ ડીલ માટે 360 કરોડ રુપિયા કમિશન લેવાયુ છે ત્યાર બાદ ઈટાલિયન કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન હેલિકોપ્ટર ખરીદીનો ઓર્ડર મેળવવા માટે કંપનીએ ભારતીય અધિકારીઓને 125 કરોડ રુપિયાની લાંચ આપી હોવાનું ખૂલ્યું હતું. જેમાં તત્કાલીન એર ફોર્સ ચીફ એસ પી ત્યાગીનુ નામ પણ સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો :ગુજરાતના UCC ડ્રાફ્ટ સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઈ
કેસને લઈ યુપીએ સરકાર પણ બની હતી ટીકાનો ભોગ
આ કેસની વિગતો બહાર આવ્યા બાદ UPA સરકાર આકરી ટીકાનો ભોગ બની હતી. સુપ્રીમ કોર્ટમાં સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આ કેસમાં ફિનમેકાનિકા કંપનીના પૂર્વ પ્રમુખ ગુસેપ ઓર્સીને ઈટાલિયન કોર્ટે સાડા ચાર વર્ષની કેદની સજા પણ ફટકારી હતી. જ્યારે તેની સબસિડિયરી કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડના પૂર્વ સીઈઓ બુર્નો સ્પાનોલીનીને પણ કોર્ટે ચાર વર્ષની કેદની સજા સંભળાવી હતી.
આ કેસમાં યુપીએના નેતાઓ સામેલ નહીં હોવાની સ્પષ્ટતા
જો કે આ કેસમાં મિશેલ વચેટિયો હોવાનો આરોપ હતો અને તેણે આ ડીલ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે અત્યાર સુધી આ સોદામાં UPA સરકારના નેતાઓની સામેલગીરીનો ઈનકાર કર્યો છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ આ ડીલમાં સામેલ હોવાનુ નિવેદન આપવા માટે દબાણ પણ કરવામાં આવ્યુ છે.