કેરળમાં લાઇવ ‘Doordarshan’ શોમાં કૃષિ નિષ્ણાતનું અચાનક જ થયું મૃત્યુ

તિરુવનંતપુરમ: કેરળની દૂરદર્શન ચેનલમાં એક લાઈવ શો ચાલી રહ્યો હતો આ દરમિયાન એક કૃષિ નિષ્ણાતનું અચાનક મોત થયું હતું. ડો. અની 12 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6.30ના સમયે કેરળ દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. લાઈવ શો દરમિયાન એન્કરે તેમને એક સવાલ પૂછ્યો. તે સમયે તે જવાબ આપતા આપતા ડોક્ટર અની અચાનક જ ચુપ થઈ ગયા અને ખુરશી પર બેઠા બેઠા ઢળી પડ્યા હતા. જો કે ઘટના બાદ તરત જ એન્કરે ચેનલનું પ્રસારણ બંધ કરાવ્યું હતું તેમ છતાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર ઘણો વાઈરલ થયો છે.
ચેનલ સ્ટાફની મદદથી ડોક્ટરને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેઓ કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા કે કેમ તે અંગે પણ કોઈ માહિતી ત્યાં હાજર તમામ વ્યક્તિઓમાંથી કોઈની પાસે ઉપસ્થિત નહોતી. મૃતકની ઓળખ ડો. અની એસ દાસ તરીકે થઈ છે. જેમની ઉંમર 59 વર્ષ હોવાનું જણાવી રહ્યા છે. આ ઘટના શુક્રવારે એટલે કે 12મી જાન્યુઆરીએ બની હતી.
ડો.અની એસ. દાસ કોલ્લમ જિલ્લાના રહેવાસી હતા. તેઓ કેરળ લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ (KLDB)ના મેનેજિંગ ડિરેક્ટર અને જૈવ સંસાધન અને કૃષિ સેવાઓ કેન્દ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. આ ઉપરાંત ડો.અની દાસ કેરળ કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા હતા. તેઓ અવારનવાર દૂરદર્શન પર કૃષિ સંબંધિત કાર્યક્રમોમાં નિષ્ણાત તરીકે ભાગ લેતા હતા. અને 12 જાન્યુઆરીના રોજ તેમણે આ જ રીતે એક પ્રોગ્રામમાં ભાગ લેવા કેરળની દૂરદર્શન ચેનલ પર પહોંચ્યા હતા.