ગુજરાતમાં દરિયાઈ સંકુલ વિકસાવવા કરાર
અબુધાબી: બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા ભારત અને યુએઈએ ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેસ્ટમેન્ટ સહિતના ક્ષેત્રમાં જોડાણ કરવા ૧૦ કરાર પર સહી કરી હોવાનું વિદેશ સચિવ વિનય કટિયારે બુધવારે કહ્યું હતું.
નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (એનએમએચસી)ના વિકાસ તેમ જ ગુજરાતના
લોથલસ્થિત મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સને મદદરૂપ થવાના આશય સાથે કરવામાં આવેલા કરાર બંને દેશ વચ્ચેના સંબંધોને વેગ આપશે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહેમ વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠકમાં ૧૦ એમઓયુ અને કરાર પર સહી કરવામાં આવી હતી.
કરારમાં ઊર્જા સુરક્ષા અને વેપાર ક્ષેત્રે સહકારની ખાતરી સહિત ગ્રીન એનર્જી તેમ જ ઊર્જાના સંગ્રહ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
તમામ પ્રકારના જનરલ કાર્ગો, બલ્ક ક્ધટેનર્સ, ચોક્કસ કોરિડોર વગેરેને પણ કરારમાં આવરી લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈસી)ને મામલે સહકાર અને સશક્તિકરણ પ્રાદેશિક કનેક્ટિવિટી વધારશે. આઈએમઈસીને ચીનના બૅલ્ટ ઍન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ)નો વિકલ્પ માનવામાં આવે છે.
આઈએમઈસી ભારત, યુએઈ, સઉદી અરબ, જૉર્ડન, ઈઝરાયલ અને યુરોપને જોડશે. (એજન્સી)