
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં શાંતિને ખલેલ પહોંચાડવા માટે અસમાજીક તત્વોએ મંદિરમાં ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિઓ તોડી નાખી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે રવિવારે સવારે જ્યારે લોકો પૂજા કરવા આવ્યા ત્યારે તૂટેલી મૂર્તિઓ જોઈ તો તેમણે પોલીસને જાણ કરી, ત્યારબાદ મંદિરમાંથી તૂટેલી મૂર્તિઓને હટાવીને તેની જગ્યાએ નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી.
ખંડિત મૂર્તિને સ્થાને નવી મૂર્તિ કરી સ્થાપિત
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળતાની સાથે જ નુનિહાઈ ચોકીના ઈન્ચાર્જ સોનુ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને તૂટેલી મૂર્તિઓને હટાવીને તેમની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ આદરી છે અને આરોપીઓની ઓળખ કરવા માટે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.
પોલીસે આપી ખાતરી
પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોઇ દારૂડિયાએ આ કૃત્ય કર્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે. પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. હાલ પોલીસ મંદિરની આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી રહી છે. અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે તેવી ખાતરી આપી છે.
આ પણ વાંચો…કડકડતા શિયાળામાં દિલ્હીમાં વરસાદ, સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ હેઠળ,સેંકડો ફ્લાઈટ, ટ્રેનને અસર
ગયા વર્ષે પણ બન્યો હતો બનાવ
આગ્રામાં ગયા વર્ષે પણ નુનિહાઈમાં એક યુવકે મંદિરમાં ઘૂસીને ભગવાન રાધા-કૃષ્ણની મૂર્તિ તોડી નાખી હતી. પૂજા માટે આવેલા લોકોને આ અંગેની જાણ થતાં તેઓ રોષે ભરાયા હતા. માહિતી મળતા પોલીસ પહોંચી હતી. મૂર્તિ ખંડિત કરનારો યુવક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.