આગરામાં હાઈવે પર મરઘા ચોરનારા સામે કાર્યવાહી થશે? જાણો પોલીસે શું કહ્યું
આગરા: ઉત્તર પ્રદેશના અગ્રામાં ગઈ કાલે બુધવારે હાઈવે પર ગાઢ ધુમ્મસને અકસ્માત થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે સંખ્યાબંધ વાહનો અથડાયા હતા. દરમિયાન મરઘાઓથી ભરેલી એક પીકઅપ વાન એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ વટેમાર્ગુઓ મરઘાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
મરઘાની ચોરી અંગે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. મરઘા ચોરી સાથે જોડાયેલી ઘટના અંગે અધિકારીએ કહ્યું કે પીકઅપ વાહન અલીગંજ વિસ્તાર પછી કાનપુર તરફ જઈ રહ્યું હતું.
અકસ્માતમાં કેટલીક મરઘીઓના પણ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ મરઘીઓનો માલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. જેના કારણે સવારે નેશનલ હાઈવે પર અનેક વાહનો અથડાયા હતા. એક 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને છ લોકો ઘાયલ થયા હતા.
આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો પીકઅપ વાનમાંથી મરઘીઓને લઈને ભાગી રહ્યા છે. કેટલાક લોકો મરઘી લઈને પગપાળા દોડતા જોવા મળ્યા હતા જ્યારે કેટલાક ટુ-વ્હીલર પર ભાગ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધુમ્મસમાં ટ્રાન્સ-યમુના વિસ્તારમાં શાહદરા બ્રિજ પર સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે સાત ઘાયલોમાંથી એકનું મોત થયું છે. ચાર લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક સિવાયના તમામ ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી લેવામાં આવ્યા છે.