ભારતના અગ્નિ મિસાઇલ માત્ર આટલા સમયમાં પાકિસ્તાનને ટાર્ગેટ બનાવી શકે છે
ભારત પોતાની સંરક્ષણ ક્ષમતાઓને સતત વિકસાવી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારતે સ્વદેશી બનાવટના શસ્ત્રો થકી વિશ્વમાં પોતાની ક્ષમતાઓનો પરચો આપી જ દીધો છે. ભારતમાં ઉત્પાદિત કરવામાં આવેલા શસ્ત્રો અને મિસાઇલોને વિશ્વમાં ઘણું મહત્વ આપવામાં આવે છે. ભારત પાસે ઘણી સ્વદેશી બનાવટની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો (ICBM) છે. ભારતના અગ્નિ મિસાઈલોએ દેશની સંરક્ષણ ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જોકે, આ બધી ટેક્નિકલ વાતો થઇ. એક સામાન્ય નાગરિક તરીકે આપણને સહેજે એવો જ વિચાર આવે કે આ મિસાઇલને પાકિસ્તાન સુધી પહોંચતા કેટલો સમય લાગે? તો ચાલો આપણે જાણીએ.
ભારત પાસે હાલમાં અગ્નિ-1, અગ્નિ-2, અગ્નિ-III, અને અગ્નિ-IV અને અગ્નિ પ્રાઇમ અને અગ્નિ-V મિસાઇલો છે. આમાં સૌથી અદ્યતન મિસાઈલ અગ્નિ-5 છે, જે ભારતની રક્ષણાત્મક ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. ભારત પાસે હાલમાં સૌથી અદ્યતન મિસાઈલ અગ્નિ-V છે, જેની રેન્જ લગભગ 5,500 થી 6,000 કિલોમીટર છે. અગ્નિ-V પ્રોજેક્ટ ભારતની સંરક્ષણ ક્ષમતામાં વૃદ્ધિ અને ખાસ કરીને ચીન સામે તેની વ્યૂહાત્મક તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવ્યો છે. ભારત હાલમાં અગ્નિ-VI મિસાઇલના ઉત્પાદન પર કામ કરી રહ્યું છે, જેની રેન્જ 9,000 થી 12,000 કિલોમીટરની વચ્ચે હશે.
હવે વાત કરીએ દેશના સૌથી અદ્યતન મિસાઈલ અગ્નિ-Vની તો આ મિસાઇલ સૌથી લાંબી રેન્જ ધરાવે છે અને તે લગભગ 5000 કિલોમીટર સુધીના લક્ષ્યોને હિટ કરી શકે છે. આ મિસાઈલ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) છે, જે કોઈપણ દુશ્મન દેશની અંદર ઊંડું નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે.
આ પણ વાંચો :ભારતે કર્યું અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: પાડોશી દેશોની ઊંઘ હરામ…
ભારતના અગ્નિ-V મિસાઇલ વિશે પાકિસ્તાની ડિફેન્સ એક્સપર્ટનો એવો દાવો કરે છે કે ભારત આ મિસાઇલથી પાકિસ્તાન તો છોડો અમેરિકાથી લઈને યુરોપ સુધીના ટાર્ગેટને પણ નિશાન બનાવી શકે છે. એશિયા અને યુરોપના ઘણા દેશો ભારતની આ મિસાઈલની રેન્જમાં આવે છે. ભારત તેના આ મિસાઇલથી કોઈપણ દુશ્મન દેશની અંદર ઊંડું નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે.
આ મિસાઈલ અંદાજે 6.7 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉડે છે. તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે જો અગ્નિ-V મિસાઇલ પાકિસ્તાનના કરાચી, લાહોર અથવા ઈસ્લામાબાદ જેવા કોઈ પણ મોટા શહેર પર છોડવામાં આવે તો આ મિસાઈલ માત્ર 1 થી 1.5 મિનિટમાં તેના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એટલે કે, ભારતની અગ્નિ મિસાઈલને પાકિસ્તાનની અંદર પહોંચવામાં 60 થી 90 સેકન્ડનો સમય લાગશે.