સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર
નવી દિલ્હી: ૧૮મી સપ્ટેમ્બરથી સંસદનું પાંચ દિવસના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસના સત્રમાં વિવિધ ખરડાઓ પર ચર્ચા કરવામાં આવશે. બુધવારે સરકારે આ અંગેની યાદી બહાર પાડી હતી. પ્રથમ દિવસે સંસદની ૭૫ વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવશે, જેમાં સંવિધાન સભાથી સંસદની હજુ સુધીની કામગીરીના મહત્ત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ચીફ ઈલેક્શન કમિશનર અને અન્ય ઈલેક્શન કમિશનરની નિમણૂક અંગેનો ખરડો ચર્ચા કરવા અને પસાર કરાવવાનું કામકાજ હાથ ધરાશે. ગયા ચોમાસુ સત્રમાં આ ખરડો રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યો હતો.
સંવિધાન સભાથી શરૂ કરી સંસદની ૭૫ વર્ષની યાત્રા-સિદ્ધિઓ, અનુભવો, સ્મૃતિ અને શું શીખવા મળ્યું તેના પર ચર્ચા હાથ ધરવામાં આવશે. સંસદના જૂના ભવનમાંથી સંસદની કાર્યવાહી નવા ભવનમાં શરૂ કરાશે, તેવી પણ સંભાવના છે. ધ એડવોકેટ્સ (અમેન્ડમેન્ટ) ખરડો, ૨૦૨૩ અને ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ્સ ખરડો ૨૦૨૩ પણ વધુ કાર્યવાહી માટે લોકસભામાં રજૂ કરાશે. ત્રીજી ઑગસ્ટે રાજ્યસભામાં ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ધ પોસ્ટ ઓફિસ ખરડો, ૨૦૨૩ ૧૦ ઑગસ્ટે રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યો હતો તે લોકસભામાં દાખલ કરવામાં આવશે, તેવું અધિકૃત બુલેટિનમાંથી જાણવા મળ્યું છે.